મુખ્યમંત્રી નાં હસ્તે પાલનપુર બસ સ્ટેન્ડ નું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિર્માણ પામેલ પાલનપુર બસ સ્ટેશન સહિત રાજ્યમાં ૯ બસ સ્ટેશનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર બસ સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, ગુજરાત એસ. ટી. નિગમ નફા-નુકસાનનો વિચાર કર્યા વિના રાજ્યના પ્રજાજનોના સુખાકારી માટે હંમેશા સેવા આપવા તત્પર છે. ગુજરાતના તમામ ગામડાઓ સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી જેવા પાડોશી રાજ્યોમાં પણ એસ.ટી. બસ લોકોને સેવા આપી રહી છે. અભ્યાસ કરતાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને ગુજરાત એસ. ટી. બસ દ્વારા આવન-જાવન માટે ૮૦ ટકાના દરે કન્સેશન પાસ આપીને તેમની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતના ગરીબ પરિવારોમાં લગ્ન જેવા સામાજિક પ્રસંગે સલામત રીતે આવન-જાવન માટે રાહત દરે એસ. ટી. બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાતના સાત મોટા શહેરોમાં મુસાફરોને એરપોર્ટ જેવી આધુનિક સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી આધુનિક બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એસ.ટી. બસ દરેક ગામ સુધી યાતાયાતનું વિશાળ નેટવર્ક ધરાવે છે ત્યારે ગુજરાત એસ.ટી.ના ૧૬ ડિવિઝન, ૧૦૦ ડેપો, ૧૩૭ બસ સ્ટેશન, ૧,૫૫૪ પીકઅપ સ્ટેન્ડ, ૮,૫૦૦ બસો, ૭,૫૦૦ શેડ્યુઅલ, ૩૫ લાખ કિ.મી.નું અંતર પાર કરીને દૈનિક ૨૫ લાખ જેટલાં મુસાફરનું વહન કરે છે. આ સુવિધાઓમાં વધારો કરવા ગુજરાત સરકાર દર વર્ષે ૧,૦૦૦ નવીન બસો ઉમેરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા- મુસાફરોને ઉત્તમ અને સલામત સવારી ઉપલબ્ધ થાય તેવા હેતુથી જીપીએસથી સજ્જ વોલ્વો, સ્લીપર કોચ, ઇ-બસો કાર્યરત છે. ગુજરાત એસ.ટી નિગમના ઇનહાઉસ વર્કશોપમાં નવીન બસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત એસ.ટી. બસની અવિરત, ઉત્તમ અને સલામત સવારી માટે રાષ્ટ્રીય કક્ષાના અનેક એવોર્ડ એસ.ટી. નિગમને પ્રાપ્ત થયા છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે તેમ જણાવી મુખ્યમંશ્રીએ એસ.ટી. નિગમના દિવસ-રાત સેવા આપતા કર્મયોગીઓને અભિનંદન આપ્યાં હતાં.
આ પ્રસંગે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૪૩.૭૨ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ ૯ જેટલાં બસ સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાલનપુર ખાતે રૂ. ૩.૬૩ કરોડના ખર્ચથી બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. બસોમાં લોકોને સારી પરિવહન સુવિધા પ્રાપ્તા થાય તે માટે નવી અને મીની બસ સહિત એ.સી. બસ એસ.ટી. નિગમ દ્વારા ચલવવામાં આવે છે. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં લોકોને યાતાયાતમાં મુશ્કેલી ન પડે તે માટે નફા-નુકશાનની ચિંતા કર્યા સિવાય એસ.ટી. દ્વારા અવિતરત સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. એસ.ટી. નફા-નુકશાન માટેનું નહીં પરંતું લોકોની સેવા માટેનું માધ્યમ છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, વિધાર્થીઓને અભ્યાસ માટે આવવા-જવામાં સરળતા રહે તે માટે પાલનપુર બસ સ્ટેશન પરથી વિધાર્થીઓને માસિક ૩૦૦૦ પાસ રાહત દરે કાઢી આપવામાં આવે છે અને વિધાર્થીનીઓને માસિક ૧૨૦૦ પાસ રાહત દરે કાઢી આપવામાં આવે છે, આમ કુલ- ૪૨૦૦ જેટલાં પાસ વિધાર્થીઓને અભ્યાસ માટે કાઢી આપવામાં આવે છે. રોજ નોકરી ધંધા માટે અપડાઉન કરતાં લોકોને ૫૦ ટકાના રાહત દરે માસિક ૧૫૦૦ મુસાફર પાસ કાઢી આપવામાં આવે છે. લોકોને સારી પરિવહન સેવા પુરી પાડવા એસ.ટી. નિગમ કટીબધ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી નંદાજી ઠાકોર, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ગિરીશભાઇ જગાણીયા, શ્રી દિનેશભાઇ પટેલ, શ્રી મોતીભાઇ પાળજા, પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા, એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ