જૂનાગઢ ભવનાથ ખાતે નિવૃત્ત પોલીસ અધિકારીઓનો માનસન્માનપૂર્વક વિદાય સમારંભ

- ખાખીમાં ખાનદાની સાચવી બનાવ્યું માનવતાનું નામ નિષ્ઠા,નીડરતા થી કરી નોકરી આ ખાખીને સો સો સલામ
ખાખી ખુમારીની વાત કરવામાં આવે તો પોલીસની ટ્રેનીંગના પહેલા દિવસ થી લઈ ફિલ્ડમાં પોસ્ટિંગ થયા સુધીની સફર એટલે ખાખીની ખુમારી ભર્યા સ્વપ્નો સેવ્યા સુધીની સફર અને ત્યાર બાદ અલગ અલગ કાર્યભાર સંભાળવાની અને જીવન જીવવાની સાથે ફરજ ને પોતાનો સાચો સાથી ગણી નોકરીની શરૂવાત કરવી.પોલીસની નોકરીમા જોડાઈ પ્રજા વચ્ચે રહી પોતાના જીવનમાં પોલિસનો સિમ્બોલ લાગ્યા પછી વ્યક્તિ માત્ર એક નહિ પરંતુ અનેક જવાબદારીને સંભાળે છે. પોલીસ પોતે નિષ્ઠા અને નીડરતાથી લોકો ની વચ્ચે રહી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પ્રયત્નો કરે છે.
ટાઢ,તડકો,વરસાદ,કુદરતી આફતો,હોય કે કોઈ પણ કપરો સમય પોતે ખડે પગે રહી પરિવારની ચિંતા કર્યા વગર ,વાર તહેવાર ની ફિકર કર્યા વગર પોતે પોતાની ફરજ અદા કરે છે અને જોત જોતા મા માન મર્યાદા અને મોભા સાથે વારસો ના વાણા વીતતાં જ્યારે વયમર્યાદાના કારણે નિવૃત્તિનો સમય આવે છે ત્યારે કરેલા કામો અને પોતાના અધિકારી પાસે મળેલા માન સન્માન ની યાદો જ એમના માટે અમૂલ્ય હોય છે.
આ સમયે કદાચ આંખના આંસુ અને અંતરની લાગણી રોકવી બહુ મુશ્કેલ છે. આવા જ જૂનાગઢ પોલીસ પરિવારના બાહોશ અધિકારીઓ, સરળ સ્વભાવ અને આગવું વ્યક્તિત્વ ધરાવનાર જૂનાગઢ જિલ્લા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા, પી.આઇ આર.જી.ચૌધરી, જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ આર. કે. સાનિયા, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ એન.કે.વાજા, એ.એસ.આઈ. જયસુખભાઈ, હે.કો. વિરમભાઈ, સહિતના પોલીસ ઓફિસરો વય નિવૃત થતા, ભવનાથ ખાતે હાલના સંજોગોને ધ્યાને લઇ, સાદગી પૂર્વક વિદાયમાન આપવામાં આવેલ હતું.
એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા, પી.આઇ આર.જી.ચૌધરી આજથી એકાદ વર્ષ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક પામેલ અને સફળતા પૂર્વક ફરજ બજાવેલ.જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે રીડર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ આર. કે. સાનિયા પણ બે વર્ષ જેટલો સમયથી, જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઇ એન.કે.વાજા એકાદ વર્ષ અને એ.એસ.આઈ. જયસુખભાઈ તેમજ હે.કો. વિરમભાઈ પણ સફળતાપૂર્વક ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી, વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. તેઓ તમામ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી, પોલીસ અધિકારીઓ તથા પોલીસ બેડામાં નામના મેળવી હતી.
જૂનાગઢ ભવનાથ ખાતે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, સર્કલ પીઆઇ પી.એન.ગામીત, પીઆઇ એન.આઈ.રાઠોડ, પીઆઇ એમ.એમ.વાઢેર સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં હાલના કોરોના વાયરસના સમયમાં સાદગી ભર્યાં સમારોહમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી વય નિવૃત થયેલ ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓની નોકરી દરમિયાન કરવામાં આવેલ સારી કામગીરીની સરાહના કરી, તેઓને નિવૃત્તિના સમયમાં સારું સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ અંગે શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવેલી હતી.