એનસીસી વિધાથીઓ દ્વારા સેનાના જવાનો ની આભારવિધિ

૩૫ ગુજરાત એન.સી.સી બટાલિયને કારગીલ
વિજય દિવસ નિમત્તે જવાનોને ૭૫૦ આભાર કાર્ડ લખ્યા
“એક મેં સો કે લીયે” અભિયાન અંતર્ગત NCCના
વિધાર્થીઓનો જવાનોને આભાર સંદેશ
(માહિતી બ્યુરો, પાલનપુર)
આપણે સૌ દેશવાસીઓ શાંતિ અને સલામતીથી પોતાના ઘરે સુરક્ષિત રહીને ઊંઘી શકીએ તો તેનો સંપૂર્ણ શ્રેય જાય છે, આપણા દેશના વીર સપૂત સૈનિકોને. દેશના સૈનિકો સરહદ પર રાત-દિવસ ખડેપગે રહી મા ભોમની રક્ષા કરી આપણને શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે છે. આપણા દેશના બહાદુર વીર જવાનોનો ઉત્સાહ વધારવા માટે કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત એન.સી.સી. નિયામકશ્રી દ્વારા “એક મેં સો કે લીયે” અભિયાન અંતર્ગત ગુજરાત એન.સી.સી. નો સંદેશ કારગીલ જવાનોને મોકલવામાં આવ્યા છે.
આ વિષય અનુસંધાને ૩૫ ગુજરાત એન.સી.સી બટાલિયન પાલનપુરના કેડેટ્સ દ્વારા કારગીલમાં દેશની રક્ષા કરતા જવાનોનો ઉત્સાહ વધારવા અને આભાર વ્યકત કરવા માટે કુલ-૭૫૦ જેટલા આભાર કાર્ડસ લખવામાં આવ્યા છે. ૩૫ ગુજરાત એન.સી.સી. બટાલિયન દ્વારા લખાયેલા આભાર કાર્ડ કમાન્ડરીંગ કર્નલ શ્રી રાજેશ નવારખેલેને સોંપવામાં આવ્યા હતાં. ૩૫ ગુજરાત એન.સી.સી. બટાલિય કેડેટ્સે દેશના જવાનોને લખેલા આભાર કાર્ડમાં દાખવેલી અભિવ્યક્તિની કળાની પ્રશંસા કરી, એન.સી.સી. ના વિધાર્થીઓનો આ સર્વોત્તમ કાર્ય બદલ કર્નલ શ્રી રાજેશે આભાર વ્યકત કર્યો હતો. એન.સી.સી. કેડેટ્સ દ્વારા લખાયેલા કુલ-૭૫૦ આભાર કાર્ડ જે કારગીલ જવાનોને કારગીલ વિજય દિવસ તા. ૨૬ જુલાઈ-૨૦૨૧ના રોજ ભેટ આપવામાં આવશે. તેમ ૩૫ ગુજરાત એન.સી.સી. બટાલિયનના શ્રી મુકેશભાઈ જોષીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા (થરાદ)