કડીની જન્નત સોસાયટીમાં એક જ રાતમાં બે મકાનોના તાળા તૂટતા ફફડાટ

- કડીના કુંડાળ પાટીયા પાસે આવેલ જન્નત સીટી સોસાયટીના બે મકાનો તૂટ્યા
- સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી
- પરીવાર ધાબા ઉપર સૂતો રહ્યો અને તસ્કરો ચોરી કરી થયા ફરાર
- કડી પોલીસનું નાઈટ પેટ્રોલીંગ ફરી શંકાના ઘેરામાં
કડીમાં જન્નત સીટી સોસાયટીમાં શુક્રવારની મધ્ય રાત્રીએ પરીવાર બીજા માળે સુઈ રહ્યો હતો ત્યારે તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થયી ગયા હતા.તસ્કરો છેલ્લા ઘણા સમયથી કડી પંથકમાં તરખાટ મચાવી પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોવાનું દેખાયી રહ્યું છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
કડી શહેરના કુંડાળ પાટીયા નજીક આવેલી જન્નત સિટી સોસાયટીના વિભાગ ડી માં રહેતા આમીર હુસેન અબ્દુલભાઇ કલાલ શુક્રવારે રાતે પરીવાર સાથે બીજા માળે ધાબા ઉપર સુઈ રહ્યા હતા ત્યારે તસ્કરોએ તકનો લાભ લઇ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી સોનાની બુટ્ટી,ચાંદીના કડલા સહિતના સોના ચાંદીના દાગીના અને 2 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થયી ગયા હતા.
સવારમાં ફરીયાદીની પત્ની સવારમાં બીજા માળેથી નીચે આવતા ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોતા ગભરાઈ ગયા હતા અને ચોરી થયી હોવાની આશંકા જન્મી હતી.ઘરમાં જોતા લાકડાની તિજોરી ખુલ્લી હતી અને સામાન વેર વિખેર હાલતમાં જોતા વધુ તપાસ કરતા દાગીના અને રોકડ રકમ ગુમ હોવાનું માલુમ પડતા કડી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે ફરીયાદીના નિવેદનના આધારે રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ.60,000/- નો મુદ્દામાલ ચોરી થયો હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કડી પોલીસનું નાઈટ પેટ્રોલિંગ શંકાના દાયરામાં
છેલ્લા ઘણા સમયથી કડી પંથકને તસ્કરો ધમરોળી રહ્યા છે ત્યારે કડી પોલીસ સબ સલામત હોવાનો દાવો કરી મીઠી નીંદર માણી રહી હોવાનું દેખાયી રહ્યું છે.થોડા સમય પહેલા શહેરની એક સોસાયટીમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સીસીટીવી કેમેંરામાં આવતા શહેરીજનો ભયભીત દેખાયી રહ્યા છે ત્યારે પોલીસનું નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવું લોકો માંગણી કરી રહ્યા છે.
વેપારીઓને ડબ્બામાં પુરવાની ધમકી આપનાર મહિલા પી.એસ.આઈ. મોદી ચોરી વાળા સ્થળ ઉપર મીડીયા કર્મીઓને જોતા ગીન્નાયા
કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ગાંધીચોક પોલીસ ચોકીમાં બેસતા મહિલા પી.એસ.આઈ.શ્વેતા મોદી પોતાના અક્કડ વલણ માટે જાણીતા છે.જન્નત સીટી સોસાયટીમાં ચોરીની ઘટનાની માહિતી મળતા મીડીયા કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં મીડીયા કર્મીઓને ઘટના સ્થળે જોતા મહિલા પી.એસ.આઈ.મીડિયા કર્મીઓને કોણે જાણ કરી એમ કહી પારો ગુમાવ્યો હતો.નોંધનીય છે કે બે દિવસ અગાઉ ટ્રાફિક જામ બાબતે વિરોધ કરી રહેલા વેપારીઓને આ અધિકારીએ રુઆબ માં આવી ડબ્બામાં પુરી દેવાની ધમકી આપતા વેપારીઓએ મહિલા પોલીસ અધિકારીનો હુરિયો બોલાવ્યો હતો.