ઈન્ટરનેટના માધ્યમથી અલગ-અલગ ફલેવરનો દેશીદારૂ બનાવતો શખ્સ રાજકોટ માંથી ઝડપાયો

રાજકોટમાં એક શખ્સ ઈન્ટરનેટના માઘ્યમથી અલગ-અલગ ફલેવરનો દેશીદારૂ બનાવતો ઝડપાયો છે. દારૂની સુગંધ ના આવે તે માટે ગોળની બદલે ખાંડનો વપરાશ કરતો હતો.
રાજકોટના (Rajkot) યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે એક દેશી દારૂ (desi liquor) બનાવતા શખ્સની ધરપકડ કરી છે. સંજયસિંહ જાડેજા (Sanjaysinh Jadeja) નામનો શખ્સ કાલાવડ રોડ પર આવેલા નિલકંઠ પાર્ક સોસાયટીમાં રહીને દેશી દારૂનું વેચાણ કરતો હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે ત્યાં દરોડો કર્યો હતો અને તેની પાસેથી દેશી દારૂ બનાવવાનો કાચો માલ કબ્જે કર્યો હતો.
જો કે આ દેશીદારૂ અન્ય દેશી દારૂથી અલગ હતો. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સ સ્ટોબેરી, ઓરેન્જ સહિતના ફ્લેવરમાં તૈયાર કરતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં દારૂની દુર્ગંધ ન આવે તે માટે આ શખ્સ ગોળના બદલે ખાંડ નાખતો હોવાનું પણ સામે આવ્યુ છે.
• ઈન્ટરનેટમાં રેસીપી જોઈ તૈયાર કર્યો દારૂ
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અરવિંદસિંહ જાડેજાના કહેવા પ્રમાણે સંજયસિંહ નામના શખ્સે બી. કોમ, ઈલેક્ટ્રીકલ આઈઆઈટી સુધીનો અભ્યાસ કર્યો છે. ઈન્ટરનેટના માધ્યમથી તેમણે દારૂ ઘરે કઈ રીતે બનાવાય તેને પોતે દારૂ બનાવવાની શરૂઆત કરી હતી. આ માટે ખાસ મશીનરી પણ તૈયાર કરી હતી. દેશી દારૂથી થોડું હટકે આ દારૂ તૈયાર થતા તેને દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. આ દારૂમાં તેમણે નવી નવી ફલેવર પણ ઉમેરી હતી. છેલ્લા બે મહિનાથી તે બજારમાં આ પ્રકારનો ફલેવરવાળા દેશીદારૂનું વેચાણ કરવા લાગ્યો હતો, જો કે આખરે તે પોલીસના હાથે પકડાઈ ગયો છે.
• લોકડાઉન બાદ રૂપિયાની જરૂરિયાત હોવાથી વેચતો દારૂ
પોલીસને આપેલી કબુલાતમાં સંજયસિંહે કહ્યું હતુ કે લોકડાઉન બાદ રૂપિયાની જરૂરિયાત હતી અને તેની પાસે કોઈ ધંધો કે વ્યવસાય ન હતો. જેના કારણે તેને પોતાની રીતે દારૂ બનાવવાનો વિચાર કર્યો અને આ માટે ઈન્ટરનેટમાં સર્ચ શરૂ કર્યું હતું. પોતાને એક ફલેટના હપ્તા બાકી હોવાથી દારૂ વેચવા લાગ્યા હોવાની કબૂલાત પણ સંજયસિંહે પોલીસ સમક્ષ આપી હતી.