હાલોલમાં રૂ. ૬.૭૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી વિકસતી જાતિ માટેની આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ

હાલોલમાં રૂ. ૬.૭૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી વિકસતી જાતિ માટેની આદર્શ નિવાસી શાળાનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર
હાલોલમાં રૂ. ૬.૭૭ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલી આદર્શ નિવાસી શાળા અહીંના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વની સાબિત થશે. ૧૫૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની આ કુમાર શાળામાં ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવા સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે. હાલોલ ખાતે આદર્શ નિવાસી શાળા કુમાર (વિકસતી જાતિ)ના નવીન મકાનનો લોકાર્પણ સમાારોહમાં બોલતાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ઇશ્ર્વરભાઇ પરમારે ઉક્ત વાત જણાવી હતી.
તેમણે ઉમેર્યું કે, આ આદર્શ નિવાસી શાળામાં ૯ વર્ગખંડ, રહેવા માટેના ૨૦ ઓરડા, ગંથાલય, લેબોરેટરી, કમ્પ્યુટર રૂમ, પ્રાર્થના ખંડ, પીવાના પાણી માટે આરઓ તેમજ કુલર સહિતની તમામ આધુનિક સુવિધાઓ સાથે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળા યોજના થકી રાજ્ય સરકાર વિકસતી જાતિના શિક્ષણનાં તમામ અવસર પૂરા પાડી રહી છે.
આ પ્રસંગે વિકસતી જાતિ કલ્યાણ બોર્ડનાં નિયામક શ્રી એન.એ. નિનામાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમેશભાઇ પરમાર, હાલોલ નગરપાલિકા પ્રમુખ વિભાક્ષીબેન દેસાઇ, તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, અગ્રણી અશ્વિનભાઇ પટેલ, કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુંનસિંહ રાઠોડ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં અધિકારીશ્રી સહિતનાં અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટ : ઈરફાન શેખ પંચમહાલ