મોરબીમાં રાત્રિના અંધકારમાં ખેલાયો ખૂની ખેલ એકનું મોત બે ઈજાગ્રસ્ત

મૃતકના પુત્રની ફરિયાદને આધારે મોડી રાત્રે એ-ડિવિઝન પોલીસમાં આરીફ મીર સહિત તેર સામે ગુન્હો નોંધાયો
કાવતરા સહિતની કલમો લગાડાઈ
મોરબી : મોરબીમાં ગઇકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક ફોર્ચ્યુનર કારને આંતરી આરીફ મીર, ઇમરાન બોટલ સહિતના શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરતા હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીની હત્યા થઈ હતી. તેમજ બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના અંગે પોલીસે કુલ તેર લોકો વિરુદ્ધ કાવતરું ઘડી હત્યા કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર આરોપી રફિકભાઈ સાથે મૃતક મમુ દાઢીને અગાઉ ઝઘડો થયેલ હોય અને બન્ને પક્ષે એક એક. વ્યક્તિની હત્યા થઈ હોય બદલો લેવાની ભાવના રાખી આરોપીઓએ એકબીજા સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી પોતાનો ઇરાદો પાર પાડવા ગઇકાલે રાત્રે ભક્તિનગર ઓવર બ્રિજ પાસે બોલેરો કાર રસ્તા ઉપર રાખી દઈ મૃતક મામુદાઢીની ફોર્ચ્યુનર કારને આંતરી હતી અને સ્વીફટ ગાડીઓમાં જીવલેણ હથીયાર અગ્નીશસ્ત્ર હથીયાર, પીસ્તોલ, લોખંડના પાઇ૫-ધોકા લઈ આડેધડ ફાયરિંગ કરતા માથામાં ગોળી લાગવાથી મામુદાઢીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઇજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે મોડીરાત્રે મમુદાઢીનું પુત્ર મકબુલ મહમદ હુસેન કાસ્માણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રફીકભાઇ ૨જાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ ૨જાકભાઇ ડોસાણી, ઇરફાનભાઈ યારમામદ બ્લોચ, રમીજભાઈ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજભાઈ આમદભાઈ ચાનીયા તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી હત્યાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
* જૂની અદાવતમાં ફાયરીંગ થયું
ફાયરીંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે મળતી વિગતો પ્રમાણે ખાટકીવાસ વિસ્તારમાં અગાઉ થયેલ માથાકૂટ મામલે ફાયરીંગ કરવામાં આવ્યું છે જોકે ફાયરીંગ કરનાર ઈસમો હાલ ફરાર છે
* કાયદાની સ્થિતિ સામે ફરી સવાલો ઉઠ્યા
મોરબી જીલ્લો ઓદ્યોગિક રીતે વિકસિત હોવાની સાથે ક્રાઈમમાં પણ અગ્રેસર જોવા મળે છે ચોરી, લૂંટ જેવા બનાવો સામાન્ય બની ગયા છે તો આજે શહેરના ધમધમતા વિસ્તાર એવા શનાળા બાયપાસ નજીક રાત્રીના ૯ વાગ્યાની આસપાસ કારમાં આવેલ ઈસમો ફાયરીંગ કરી એક વ્યક્તિની હત્યા કરી ફરાર થઇ ગયા છે ત્યારે આવા અસામાજિક તત્વોને ખાખીનો કોઈ ડર રહ્યો ના હોય તેવી ચર્ચા પણ પ્રબુદ્ધ નાગરિકોમાં જોવા મળી રહી છે
* છેલ્લા ઘણા દિવસોથી ચાલતી હતી માથાકૂટ
બનાવ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ફાયરીંગ કરનાર ઈસમો અને ફાયરીંગમાં ભોગ બનનાર વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી માથાકૂટ ચાલતી હતી જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કારમાં આવેલ ઇસમોએ ફાયરીંગ કરી એક વ્યક્તિનું ઢીમ ઢાળી દીધું હતું તો ફાયરીંગની ઘટનામાં બે ઈજાગ્રસ્ત પૈકી એક મહમદભાઈ નામના વ્યક્તિને ડાબી બાજુ બે બુલેટ લાગી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે
રીપોર્ટ :- જનક રાજા, મોરબી