જામનગર ના બે ગામો ના એક એક નો વીજઆંચકા એ લીધો ભોગ

જામનગર જિલ્લાના લાલપુર તેમજ જામજોધપુરમાં વીજ આંચકાના કારણે એક મહિલા સહિત બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. લાલપુર ગોદાવરી ગામ માં એક યુવાનને વાડીના શેઢા પાસે વીજઆંચકો લાગતાં મૃત્યુ નિપજયું છે.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતી એક મહિલાને પણ ટ્રાન્સફોર્મરના થાંભલામાંથી વીજઆંચકો લાગતા મૃત્યુ નિપજયું છે. લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં રહેતા બાબુભાઈ ગાંડાભાઈ ગમારા નામના 45 વર્ષના યુવાનને ગઈકાલે પોતાની વાડીના શેઢે એકાએક વીજઆંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે કારાભાઈ રામાભાઇ ગમારા એ પોલીસ ને જાણ કરતાં લાલપુરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
વીજ આંચકાથી મૃત્યુનો બીજો બનાવ જામજોધપુર તાલુકાના ઘેલડા ગામ માં બન્યો હતો. જ્યાં રહેતી કવિબેન કરસનભાઈ કારેણા નામની સગર જ્ઞાતિની 42 વર્ષની ખેત મજુર મહિલા ગઈકાલે વાડીના શેઢે ખડ કાઢવાનું કામ કરી રહી હતી, જે દરમિયાન ટી.સી.ના વીજ થાંભલામાંથી તેણીને એકાએક વીજઆંચકો લાગ્યો હતો, અને તેનું પણ સ્થળ પર જ કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ કરસનભાઈ માલદેભાઈ કારેણા એ પોલીસને જાણ કરતા જામજોધપુર પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.