વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો
વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલના સ્ટાફ માટે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત સાયકાયટ્રીસ્ટ, ડો. હિતેન્દ્ર ગાંધી, ડો. અલ્પેશ ગેડીયા અને ડો. આલાપી પ્રજાપતિ દ્વારા માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું અને શું ધ્યાનમાં રાખવું જોઈએ એના પર ચર્ચા કરવામાં આવી હતી. આ પેનલ ડિસ્કશનનું સંચાલન સંસ્થાના સિનિયર જનરલ મેનેજર નેહા લાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે “દર સાતે એક ભારતીય માનસિક બીમારીથી પીડિત છે.જેમાંથી માત્ર 10 ટકા લોકો જ સાયકોલોજીસ્ટની સલાહ લે છે. અને બાકીના પીડિતો અંદરને અંદર લોકો શું કહેશે એ ડરથી મૂંજાયા કરે છે અને તેમને સમજાવવું જરૂરી છે કે, લોકોને એવી ખોટી માન્યતા છે કે – માનસિક રોગ એટલે ડિપ્રેશન, પરંતુ માનસિક રોગના પણ ઘણા પ્રકાર છે જેમ કે, વયસ્કોમાં – ચિંતા, તણાવ, ઊંઘ ન આવવી, બાયપોલર ડિસઓર્ડર અને બાળકોમા – ધ્યાન કેન્દ્રિત ન થવું, ચંચળતા અને રોજબરોજની ક્રિયાઓ ન કરી શકવું. માનસિક સ્વાસ્થ્ય એટલું જ જરૂરી છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. દરેકને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો સમાન અધિકાર છે. અને કામનું પ્રેશર પણ માનસિક સ્વાસ્થ્ય પર ખુબ અસર કરે છે જેના નિવારણ માટે નિયમિત યોગ-પ્રાણાયામ અને સહ-કાર્યકરો સાથેના સબંધો જાળવવા ખુબ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર મનોવિકૃતિ માટે જ નહીં પણ માનસિક સ્વસ્થતા અને શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તે વિશે પણ સાઈકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન મેળવી શકાય છે.
જીસીએસ હોસ્પિટલએ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલમાં બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજસેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.