કડીમાં સાંઈબાબાના મંદિરના નીચે એકાએક રાત્રીના સમયે આગની જ્વાળા નીકળતા અફરાતફરી

- ગેસ લાઈનમાં આગ
- ગેસની પાઇપલાઇન લીકેજ થતા બની ઘટના
કડીમાં મોડી રાત્રે હાઇવે ચાર રસ્તા પાસે આવેલા સાંઈબાબાના મંદિર નીચે પસાર થતી સાબરમતી ગેસની પાઇપલાઇન એકાએક લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગની જ્વાળા બહાર નીકળતા આસપાસના રહીશો અને ત્યાંથી પસાર થતા લોકો માં અફરાતફરી મચી જવા પામી હતી. આગની ઘટના બની હોવાની જાણ થતાં સ્થાનિક લોકોએ કડી નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને બુજવવા ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી.
સાબરમતી ગેસની પાઇપ લાઈન લીકેજ હોવાથી આગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બાદમાં સાબરમતી ગેસ કંપનીના માણસોને સમગ્ર મામલે જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગપર કાબુ મેળવી આગ બુજાવવામાં આવી હતી તેમજ પાલિકાના કોર્પોરેટર અને સ્થાનિક લોકોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાન હાનિ પહોંચી નહોતી.