સાબરકાંઠા જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ
જિલ્લામાં તા. ૧૮ નવેમ્બરના રોજ આત્મનિર્ભર ગ્રામ યાત્રાને મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્મા ખાતેથી પ્રસ્થાન કરાવશે
સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૬ સીટના ૩૦૦ ગામોમાં રથ પરીભમ્રણ કરશે
જિલ્લા કલેકટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં ગ્રામ યાત્રાના કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત રૂ. ૬૫૪૧ લાખથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાશે
સમગ્ર રાજયમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે તા.૧૮ નવેમ્બરથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થનાર છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાના સુચારું આયોજન અને થયેલી કામગીરી સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ ત્રિદિવસીય યાત્રા દરમ્યાન જિલ્લામાં રૂ. ૬૫૪૧ લાખથી વધુ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ- ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે.
આ બેઠકમાં કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ૧૨ જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને અન્ય વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે તા. ૧૮ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૧ દરમ્યાન ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાનાર છે.
જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૬ બેઠકમાં ૩ રથ પરીભ્રમણ કરશે જેમાં રથ- ૧માં ૧૦૮ ગામ, રથ-૨માં ૯૬ જયારે રથ-૩માં ૯૬ ગામ મળી કુલ ૩૦૦ ગામોને આવરી લેવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રથને અન્ન નાગરીક અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્માની આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવશે.
જિલ્લા કલેકટર એ વધુમાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર આત્મનિર્ભર ગ્રામ યાત્રાના આરંભ પ્રસંગે સવારના ૮ થી ૮.૩૦ કલાક દરમ્યાન ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આશા બહેનો, સખી મંડળ, યુવક મંડળ, અને પાણી સમિતિ દ્વારા સ્વચ્છતા અંગે જન જાગૃતિ રેલી યોજાશે.
તેમજ સવારના ૮.૩૦ થી ૯.૧૫ કલાક દરમ્યાન શાળાઓ, પંચાયત ધર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેંક, દૂધ મંડળી, પશુ દવાખાના, સબ સેન્ટર, વેલનેસ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ કરવામાં આવશે.
ત્યારબાદ મહાનુભાવોની ઉપસ્થિતમાં સવારના ૯.૩૦ કલાકથી સ્ટેજ કાર્યક્રમનો આરંભ થશે.
આ કાર્યક્રમ દરમ્યાન ખેડા ખાતેથી આ યાત્રાનો આરંભ કરાવનાર રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સ્પીચનું પ્રસારણ કરવામાં આવશે.
રથ પ્રસ્થાન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન- સહાયનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.એમ.ડામોરે જણાવ્યું હતું કે, આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૬ બેઠકમાં યોજાનાર ત્રિ- દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમ્યાન
રૂ. ૧૯૮૬.૦૨ લાખના ૭૨૭ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ રૂ. ૪૧૯૦.૬૭ લાખના ૫૯૦ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જયારે ૧૦૦૩ લાભાર્થીઓને રૂ. ૩૬૪.૩૮ લાખથી વધુ રકમની વિવિધ યોજનાકીય સાધન- સહાયનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત શેરી નાટક, પશુ સારવાર કેમ્પ અન્ય વિવિધ કાર્યક્રમ યોજાશે. યાત્રા દરમિયાન સરકારની ફલેગશીપ યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ખરાડી સહિત ,તાલુકા વિકાસ અધિકારી અને અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા