માળીયાના મેઘપર ગામે તાજી જન્મેલી બાળકી ત્યજી દેવામાં આવી

નવજાત બાળકીને આનંદી સંસ્થાએ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ
મોરબી : માળીયા તાલુકાના મેઘપર ગામે કોઈ અજાણી સ્ત્રીએ જન્મ આપીને ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી. આ બનાવની જાણ થતાં માળીયા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.જો કે આ નવજાત બાળકીને આનંદી સંસ્થાએ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
માળીયાના મેઘપર ગામની સીમમાં રોડની સાઈડમાં આજે વહેલી સવારે એક તાજી જન્મેલી બાળકીના રુદનનો અવાજ સાંભળતા ત્યાંથી પસાર થતા એક નાગરિકે આ દિશામાં તપાસ કરતા કોઈ અજાણી સ્ત્રીએ જન્મ આપીને નવજાત બાળકીને ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આથી એ નાગરિકે સરપંચને જાણ કરતા સરપંચ વિજયભાઈ સવાભાઈ મિયાત્રાએ માળીયા પોલીસને આ બનાવથી વાકેફ કર્યા હતા.આથી માળીયા પોલીસની ટીમ તેમજ આનંદી સંસ્થા ની બહેનો દોડી ગઈ હતી.અને બાળકીને પ્રથમ માળીયા હોસ્પિટલ બાદ બાળકીને લઇ મોરબી સિવિલ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા જ્યાં બાળ સુરક્ષાના રંજનબેન મકવાણા પણ દોડી આવ્યા હતા અને નવજાત બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી હાલમાં નવજાત બાળકી એકદમ સ્વસ્થ છે અને 2 કિલો તથા 600 ગ્રામ વજન ધરાવતી આ બાળકીનો આજે સવારે જ જન્મ થયો હોવાનું અનુમાન છે.આ બાળકીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી