હિંમતનગર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’’ અંતર્ગત

હિંમતનગર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’’
જિલ્લાના છેવાડાના દિવ્યાંગજન સુધી સરકારી સહાય પહોંચાડવા વહિવટી તંત્ર સક્રિય -જિલ્લા સમાહર્તા
૨૧ પ્રકારના દિવ્યાંગજનોને મળી રહ્યો છે સરકારી યોજનાઓનો સધિયારો
સાબરકાંઠાના હિંમતનગરની માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા ખાતે જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૯૯૨થી યુ.નો. દ્રારા ૩જી ડિસેમ્બરને ‘‘આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તા એ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનો સમાજનો એક હિસ્સો છે. તેમના પ્રત્યે સમાનતા, સમભાવ અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ કેળવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. જેનું આ વર્ષનું થીમ છે-‘‘કોવિડ-૧૯ પછીના સર્વ સમાવેશક, સુલભ અને સુચારૂ વિશ્વ તરફ વિકલાંગ વ્યક્તિઓનું નેતૃત્વ અને સહભાગિતા’’. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોને આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને માનસિક સધિયારો મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવાઇ છે.
દિવ્યાંગજનોને તેમના આઈ.ડી. બસ પાસ સરળતાથી મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ ખાતેથી તેઓની દિવ્યાંગતનું મેડિકલ સર્ટિફિકેટ સરળતાથી મળી રહે તે માટેની પ્રક્રિયા સરળ કરાઇ છે. જેથી દિવ્યંજનોને માસિક પેંશન, આરોગ્ય તેમજ શૈક્ષણિક સહાય તેમજ સાધન પુરા પાડી તેઓ કોઈપણ બાબતે સામાન્ય માણસથી પાછળ ન રહી જાય તેની પૂરતી તકેદારી સરકાર રાખી છે.
સમાજ સુરક્ષા અધિકારી મહેશ પટેલે દિવ્યાંગો માટે સરકાર દ્રારા અમલી બનાવાયેલી યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા દિવ્યાંગજનોને યુનિક આઈ.ડી. કાર્ડ આપવાનું અભિયાન શરુ કરાયું છે. આધાર કાર્ડની જેમ આ કાર્ડ સમગ્ર દેશમાં વિવિધ યોજના માટે ઉપયોગી બનશે. તેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી ર્ડા.ગોપલાણી દ્વારા સંસ્થાની પ્રવૃત્તિ અંગે વિગતવાર માહિતી આપી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા અમલી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓના મંજુરી હુકમ તથા સહાયનું વિતરણ કલેકટર તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
તેમજ કલેક્ટર દ્રારા રમત ગમત ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરેલા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રાથમિક શિક્ષણાધિકારી ચૌધરી, સંસ્થાના ટ્રસ્ટી ર્ડા.મહેન્દ્રભાઈ સોની, રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડરના પ્રવિણાબેન મહેતા, સોનલબેન દોશી, સવજીભાઇ ભાટી, જીતુભાઇ પટેલ, (ઇ.આ) રાજુભાઈ રાઠોડ, જિલ્લામાં કાર્યરત દિવ્યાંગ કલ્યાણકારી સંસ્થાઓના હોદ્દેદારો તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ : ધીરુભાઈ ખેડબ્રહ્મા