જામનગરનાં ભાજપનાં ધારાસભ્ય હકુભાનાં ભાઈ પર ઘાતકી હુમલો
જામનગર, : જામનગર શહેરના ભાજપનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ના ભાઈ પર આજે બપોરે ઝાખર અને કજૂરડા ગામ પાસે કેટલાક શખ્સોએ હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી. આથી તેઓને લોહી લુહાણ હાલતમાં જામનગરના ખાનગી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે. તેઓનું સિટી સ્કેન કરાયા પછી માથામાં ટાંકા લેવા પડયા છે. હુમલાની જાણ થતાં ધારાસભ્ય અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો મિત્રવર્તુળ વગેરે હોસ્પિટલે દોડી ગયા હતા. હુમલામાં સામાપક્ષના પણ ત્રણેક વ્યકિતને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)ના ભાઈ રાજભા જાડેજા પર આજે બપોરે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના ઝાખર અને કજૂરડા ગામ પાસે હુમલો થયો હતો. કોઈ બાબતથી ઉશ્કેરાયેલા સીંગચ અને ઝાખર ગામના શખ્સોએ રાજભા પર હુમલો કર્યો હતો. જેના કારણે માથામાં ઈજા પામેલા રાજભાને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગર ખસેડાયા હતા. જયાં સિટી સ્કેન કરવાનો અભિપ્રાય અપાતા તેઓને અન્ય ક્લિનિકમાં સિટી સ્કેન માટે ખસેડાયા પછી માથામાં થયેલી તેઓની ઈજાના કારણે ટાંકા લેવા પડયા હતા.
આ બનાવની જાણ થતાં ક્લિનિક પર ધારાસભ્ય ઉપરાંત રાજકીય અને સામાજીક ક્ષેત્રનાં આગેવાનો અને મિત્રો-શુભેચ્છકો દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. આ સાથે ખંભાળિયાની એક પોલીસ ટુકડી જામનગર આવી પહોંચી હતી, અને રાજભા જાડેજાની ફરિયાદના આધારે ઝીરો નંબરથી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગુરૂદ્વારા વિસ્તારમાં આવેલા ખાનગી દવાખાના પાસે રાજકીય આગેવાનો સહિતના અનેક સમર્થકો ઉમટી પડયા હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સામા પક્ષે પણ ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હોવાનું અને તે પૈકી એક વ્યક્તિને વધુ ઇજા થવાથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં ધ્યાનમાં આવ્યું હતું અને તે પક્ષ દ્વારા પણ ફરિયાદની તજવીજ કરાઇ રહી હતી.
ખંભાળિયા જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી ગયા હતા. ખંભાળિયા નજીક આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટનું કામ રાખવા બાબતે બંને પક્ષે લાંબા સમયથી તકરાર ચાલતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. રાજભા જાડેજાના જૂથ દ્વારા હાલમાં કંપનીમાં કામ ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે સામા જૂથને બ્લેકલિસ્ટ કરી દેવાયા હોવાના કારણે આ તકરાર થઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર મામલે ખંભાળીયા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.