જામનગરમાં વાલસુરા રોડ ઉપરના બોન્ડ મીલ વિસ્તારમાં સફાઇના અભાવથી લોકો ત્રસ્ત

જામનગરના વાલસુરા રોડ ઉપર આવેલી વસાહતમાં સફાઇ અને કચરા નિકાલની વેઠ ઉતાર કામગીરીના મુદ્ે સ્થાનિક રહીશોએ મ્યુ.કમિશ્ર્નરને પરિસ્થિતિનો ચિતાર આપતી વિગતો સાથે એક આવેદન પત્ર આપ્યું હતું.
જામનગરમાં વાલસુરા રોડ ઉપર આવેલ બોન્ડ મીલ વિસ્તારમાં રહેનારા લોકોએ આવેદન પત્રમાં રજૂઆત કરી છે કે, છેલ્લા ચારેક વર્ષથી સફાઇ કામગીરી નિયમિત થતી નથી. રસ્તા ઉપરાંત ગટરની સફાઇની કામગીરી પણ થતી ન હોય લોકોને નાછુટકે પોતાની રીતે સફાઇ કરવી પડે છે. બધી જાતના ટેકસના બીલો મહાનગરપાલિકા આપે છે પરંતુ સફાઇની પ્રાથમિક સુવિધા આપતી નથી.
હાલ લોકો ઘરના કચરાનો નિકાલ વાલસુરા રોડ ઉપર આવેલ પોલીટેકનીક કોલેજની બાઉન્ડ્રી પાસે કરતા હતા પરંતુ છેલ્લા પાંચેક દિવસથી એસ.એસ.બી.ના જવાનને બેસાડી દેવામાં આવેલ છે. એટલુ જ નહી અહીં રહેવી કચરા પેટી પણ હટાવી દેવાઇ છે. આથી લોકો પોતાની રીતે પણ ગંદા કચરાનો નિકાલ કરી શકતા નથી. અહીંના લોકો ગરીબ અને પછાત વર્ગના છે. અમોએ કરેલી રજૂઆતને કોઇ દાદ મળતી નથી. સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી અને કર્મચારીને ચાર દિવસથી દરરોજ જાણ કરવામાં આવે છે છતા કોઇ ધ્યાન આપવામાં આવતું નથી.
આથી આ વિસ્તારના લોકોની સુવિધા માટે તાત્કાલિક પોઇન્ટ ઉપર કચરા પેટી નાખવા અને આ વિસ્તારની સફાઇ અને ગટરની સફાઇ નિયમિત થાય તેવી વ્યવસ્થા કરવામાં નહી આવે તો લોકોને આવતીકાલે (મંગળવાર)ના રોજ મહાનગરપાલિકાની કચેરી સામે અથવા સ્થાનિક વિસ્તારના રોડ ઉપર ચક્કાજામ કરી આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ આવેદન પત્રના અંતમાં જણાવાયું છે. આ આવેદન પત્ર આપતી વખતે સ્થાનિક લોકો સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કોર્પોરેટર નુરમામદ પલેજા પણ જોડાયા હતા.