જામનગર : ઓમિક્રોન દર્દીના ઘરે ટયુશનમાં જતાં 7 બાળકોનાં કોવિડ ટેસ્ટ કરાયા

જામનગર : જામનગરમાં ઓમિક્રોન કોરોના વેરિયન્ટનો એક પોઝીટીવ અને બે શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ ચિંતા વધારતો નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં આ પરિવારનાં ઘરે સાત બાળકો ટયુશનમાં આવતાં હોવાનું ખુલતા એ બાળકોને શોધીને કોવિડ ટેસ્ટ કરાયા છે.
સમગ્ર રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના પ્રથમ દર્દી જામનગરના છે, જેમના ઘરમાં બાળકોનું ટયુશન ચાલતું હોવાનું સામે આવ્યું છે. જેથી જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સાતેય બાળકોને શોધી લઈ તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તમામ બાળકોને પણ હોમ આઈસોલેશનમાં મુકી દેવામાં આવ્યા છે.
જામનગર મહાપાલિકાના કોર્પાેરેટર જેનબ ખફીએ આ બાબતને ઉજાગર કરી મહાપાલિકાના તંત્રનું ધ્યાન દોરતા તંત્રએ સાત બાળકોને ઓળખી કાઢયા છે અને સાતેયના કોરોના ટેસ્ટ કરી હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
ચિંતાજનક બાબત એ છે કે જે ઘરમાંથી ત્રણ દર્દી કોરોના પોઝીટીવ આવ્યા તે ઘરે પાંચ દિવસ સુધી ટયુશન ચાલ્યું છે. એટલે કે જે બાળકો ટયુશન ક્લાસમાં આવે છે, તે પૈકીના સાત બાળકો સુધી જ તંત્ર પહોચ્યું છે, ત્યારે તે બાળકોના પરિવારજનો અને બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે, એ શાળામાં ભણતા અન્ય બાળકોમાં ચેપ ફેલાઈ જવાની પુરતી સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર આ બાબતને પ્રાથમિકતા આપી તમામ બાળકો-પરિવારજનો સુધી જલ્દી પહોચી, ચિકિત્સા કરે એ અંત્યંત જરૂરી છે.