વિવિધ સંલગ્ન પ્રોજેક્ટની મુલાકાતથી કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અંત્યત પ્રભાવિત.

કેવડીયાની મુલાકાત માત્રથી મનની શાંતિ અને આરામની ભાવના અનુભવાય છે, આવનાર દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થાય એવી આશા – ડૉ. એસ. જયશંકર,કેન્દ્રીય વિદેશ મંત્રી.
નર્મદા ઘાટ,આરોગ્યવન,એકતા નર્સરી સહિત વિવિધ સંલગ્ન પ્રોજેક્ટની મુલાકાતથી કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અંત્યત પ્રભાવિત.
રાજપીપલા, તા 11
કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા આરોગ્ય વનની મુલાકાત લીધી હતી.જેમાં ઇન્ડોર પ્લાન્ટ સેકશનમાં અલગ-અલગ છોડની પ્રજાતી વિશે આરોગ્યવનના ગાઈડ સુશ્રી હેતલબેન પટેલે વિસ્તૃત જાણકારી આપી હતી. તેની સાથોસાથ યુનિટી વિથ નેચર, ગાર્ડન ઓફ કલર્સ ,અરોમા ગાર્ડન, લોટસ પોન્ડ, ઔષધ માનવ, યોગા ગાર્ડન, અલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન સહિત આરોગ્ય વનનાં વિવિધ પ્રભાગોની વિસ્તૃત સમજ મેળવી હતી.
ત્યારબાદ મંત્રી ડૉ. એસ. જયશંકરે એકતા નર્સરીની મુલાકાતમાં બાંબુ ક્રાફ્ટ, એરિકા લીફ, યુટેન્સીલ્સ, ઓર્ગેનિક કુંડા,યાંત્રિક રીતે ઓર્ગેનિક થાળી-વાટકી બનાવટ-ઉત્પાદનની પ્રક્રિયાના નિરીક્ષણ ઉપરાંત હાઇડ્રોપોનિક એન્ડીક્રાફ્ટ, મધમાખી ઉછેર, કડકનાથ મરઘા, ટ્રાયબલ હટમાં પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી પણ રસપૂર્વક નિહાળી હતી.
મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે કેવડીયા ખાતે આવી શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કરી શીશ નમાવ્યું હતું. ત્યારબાદ ગોરા ખાતે નિર્માણ પામેલા નર્મદા ઘાટની મુલાકાત લીધી હતી અને નર્મદાના જળમાં થઇ રહેલા વોટર ફાઉન્ટેઇન શોને પણ નિહાળ્યો હતો. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ(SOUADTGA)નાં મુખ્ય કારોબારી અધિકારી(CEO) શ્રી રવિશંકરે આરતી અને ઘાટ અંગે વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
કેવડીયાના વિવિધ પ્રવાસીય પ્રભાગોની મુલાકાત લઇને પોતાના પ્રતિભાવોમાં જણાવ્યુ હતુ કે, આ અગાઉ સ્ટેચ્યુ ઓફ મુલાકાત લીધી હતી અને આરોગ્ય વનની બીજી વખત મુલાકાત કરી અને આરોગ્ય વનનો વિકાસ જોઈ ખૂબ આનંદ થયો.અહીંની મુલાકાત માત્રથી મનની શાંતિ અને આરામની ભાવના અનુભવાય છે,જે વ્યક્ત કરવું ખૂબ મુશ્કેલ છે.આજ પ્રકારનું સારું કામ ચાલુ રાખો અને આવનાર દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થાય એવી આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી, વધુમાં જણાવ્યુ હતુ કે, એકતા નર્સરીનો થઈ રહેલો વિકાસ જોઈને ખૂબ આનંદ થયો. સ્ટેચ્યુ ઓફ યુનિટી નો એક હરિયાળ ભાગ છે જે સચે જ મનોહર છે.
કેવડીયાની મુલાકાત દરમ્યાન ઇ-રીક્ષા અને ઇ-કારની સફર પણ તેઓએ માણી હતી અને તેઓએ અત્યંત પ્રસન્નતા વ્યકત કરી હતી અને રીક્ષા ચાલક મહિલાઓ સાથે વાર્તાલાપ કરીને જાતમાહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર ડી.એ.શાહ, પોલીસ અધિક્ષક હિમકર સિંહ,અધિક કલેકટર આર.ડી.ભટ્ટ અને હિમાંશુ પરીખ, પ્રાયોજના વહીવટદાર બી.કે.પટેલ, નાયબ કલેકટર નિલેશ દુબે અને કુલદીપસિંહ વાળા, નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યા સહિત સંબંધિત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા