ગાંધીનગર જિલ્લાના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે મકરસંક્રાતિ ચિત્રસ્પર્ધા જોગ

ગાંધીનગર જિલ્લાના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે મકરસંક્રાતિ ચિત્રસ્પર્ધા જોગ
સ્પર્ધકે પોતાની કૃતિને માઉન્ટીંગ કરાવ્યા બાદ તા.૨૪ ડિસેમ્બર સુધીમાં જિલ્લા રમતગમત કચેરી ખાતે જમા કરાવવાની રહેશે.
ગાંધીનગર: બુધવાર:
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી અમદાવાદ તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમતની કચેરી- ગાંધીનગરના સંયુકત ઉપક્રમે “મોબાઇલ ટુ સ્પોર્ટસ” કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લા કક્ષાની મકરસંક્રાતિ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમા ગાંધીનગર શહેર/ગ્રામ્યના ૮ થી ૧૩ વર્ષના બાળકો (જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે) મોટી સંખ્યામાં ભાગ લઇ શકશે. ઉકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ એ/૪ સાઇઝના (૮.૩”x ૧૧.૭”) ડ્રોઇંગ પેપર પર ” મકરસંક્રાંતિ” વિષય ઉપર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરવાની રહેશે. આ કૃતિને માઉન્ટીંગ કરાવ્યા બાદ તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત-ગમત કચેરી, સહયોગ સંકુલ, “સી” વિંગ્સ, છઠ્ઠો માળ, પથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતે આપવાની રહેશે.
કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે (આધારકાર્ડ/જન્મ તારીખનો દાખલો) ની ઝેરોક્ષ અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચૂક જોડવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલી કૃતિ સ્વીકારવામાં આવશે નહી.
રાજયકક્ષાની સ્પર્ધામાં ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. ૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. ૫,૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે
જિલ્લાકક્ષાએ વિજેતા થયેલ ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલ સ્પર્ધકોના ચિત્ર રાજયકક્ષાની પસંદગી ચિત્રસ્પર્ધા તેમાંથી પસંદ થયેલ ૧૦ સ્પર્ધકોએ રાજયકક્ષામાં મોકલવામાં આવશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ Youthofficergandhinagar.wordpress.comપરથી અને કચેરી પરથી મેળવી શકાશે, તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી કુ. તેજલ ચૌહાણે જણાવ્યું છે.