પાલનપુર કલેકટર ની અધ્યક્ષતામાં તકેદારી કમિટી ની બેઠક યોજાઇ

પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં અનુસૂચિત જાતિઓના વિકાસ માટે વિવિધ અમલીકરણ અધિકારીઓની કચેરી દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૧ અંતિત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કુટીર ઉધોગ, પાક વ્યવસ્થા, બાગાયત અને પશુપાલન, વીજળીકરણ અને પાણી પુરવઠાની યોજના, વન વિભાગ, સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ કચેરી દ્વારા કરવામાં આવતી યોજનાકીય કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરશ્રીએ કહ્યું કે, અનુસૂચિત જાતિના લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી મળે તે રીતે લક્ષ્યાંક પ્રમાણે કામગીરી ઝડપથી પૂર્ણ કરીએ.
અનુસૂચિત જાતિ જિલ્લા તકેદારી સમિતિની બેઠકમાં સપ્ટે્મ્બર-૨૦૨૧ અંતિત ત્રિમાસિક ગાળામાં નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ-૧૯૫૫ તથા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-૧૯૮૯ હેઠળ બનેલ બનાવોની સમીક્ષા, તાલુકા કક્ષાએ તકેદારી સમિતિઓની નિયમિત બેઠક બોલાવવી, અસ્પૃશ્યતા નિવારવા માટે ડ્રાઇવ ચલાવવી, એટ્રોસીટીના કેસોમાં ફરીયાદ નોંધવામાં વિલંબ ન કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી, ધારાસભ્યો સર્વશ્રી જીગ્નેશભાઇ મેવાણી, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી નથાભાઇ પટેલ, શ્રી ગુલાબસિંહ રાજપૂત, જિ. પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી દિનેશભાઇ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, સમિતિના સભ્યો સર્વશ્રી રાજુભાઇ ડાભી, શ્રી ભરતભાઇ પરમાર, શ્રી વિજયભાઇ ગાંધી, શ્રી પ્રહલાદભાઇ પરમાર, શ્રી પ્રવિણભાઇ સોલંકી, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રી એચ. આર. પરમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પંડ્યા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ. એમ. છાસીયા, સરકારી વકીલશ્રી સી. જી. રાજપૂત, બાગાયત અધિકારીશ્રી જે. બી. સુથાર સહિત અમલીકરણ અધિકારીઓ અને સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા (થરાદ)