ભરૂચના ત્રાલસા ખાતે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ પંચમ પાટોત્સવ નું આમંત્રણ આપવા માટે આવી પહોંચ્યા

ભરૂચના ત્રાલસા ખાતે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ પંચમ પાટોત્સવ નું આમંત્રણ આપવા માટે આવી પહોંચ્યા.
ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓ, જિલ્લા તાલુકા કન્વીનર, લેઉવા પાટીદાર સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા.
ખોડલધામ મંદિર કાગવડ નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૧.૧.૨૦૧૭ ના રોજ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુરા થતા હોય ખોડલધામ મંદિર કાગવડ ખાતે પંચમ પાટોત્સવ નો મહાઉત્સવ યોજાવાનો છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પંચમ પાટોત્સવ માં રાજ્યભરમાંથી લેઉવા પાટીદાર સમાજના પરિવારો ઉમટી પડવાના છે. પંચમ પાટોત્સવ આમંત્રણ દરેક પરિવાર સુધી પહોંચે તેવા આશય સાથે ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઈ પટેલ રાજ્યભરમાં પ્રવાસ કરી આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે આજરોજ નરેશભાઈ પટેલ તેમના ટ્રસ્ટી મંડળ સાથે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા કેન્દ્ર ત્રાલસા પાટીદાર સમાજની વાડીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કન્વીનર પંકજભાઈ ભુવા સહિત ભરૂચ નર્મદા જિલ્લાના તમામ તાલુકાના કન્વીનરો અલગ અલગ સમાજ ના પ્રમુખો તેમજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે એકતામાં માં શક્તિ છે. સંગઠન હશે તો આપણે શું ના કરી શકીએ ? સંગઠન હશે તો મહામારી દરમિયાન પણ આપણે લોક ઉપયોગના કાર્યો કરી શકીશું. કોરોના મહામારી દરમિયાન પણ ખોડલધામ ના યોદ્ધાઓ દ્વારા આઈસોલેશન વોર્ડ ઓક્સિજન દવા ફૂડ પેકેટ રાસન કીટ જરૂરિયાત મંદોને પૂરી પાડી છે જે એક સંગઠનની શક્તિ છે. નરેશભાઇ પટેલે યુવાનોને ખાસ જણાવ્યું હતું કે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પછી સમાજની જે શક્તિની મુઠ્ઠી અકબંધ રહી છે તેને ખુલવા દેવાની જવાબદારી હવે યુવાનોની છે. લેઉવા પટેલ સમાજ ના શિસ્ત અને સંયમ ને નમન કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ૬૦ કિ.મી લાંબી રેલીમાં પણ એક નાનો સરખો અકસ્માત કે કોઈને હાની પહોંચી નથી. પાંચ વર્ષ દરમિયાન ખોડલધામ ટ્રસ્ટે ઘણી સફળતાઓ હાંસલ કરી છે. રાજ્યભરમાં ૧૭ જેટલા સમાધાન પંચો ચાલે છે જે સમાજના વિવિધ પ્રશ્નો હલ લાવી શકે છે. અત્યાર સુધી સમાધાન પંચ દ્વારા બે હજારથી વધુ કેસોનું સુખદ સમાધાન કરેલ છે. શિક્ષણ બાબતે તેમણે જણાવ્યું હતું કે ગત રોજ આવેલા જીપીએસસીના પરિણામમાં ૨૪૦ વિદ્યાર્થીઓમાંથી ૬૦ વિદ્યાર્થીઓ ખોડલધામ ટ્રસ્ટમાં તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓ હતા. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય અને શિક્ષણ માં કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી દરેક સમાજના જરૂરિયાત મંદોને સાથે રાખી તેમને જરૂરિયાત મુજબની તાલીમ આપવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ની વાત કરતા તેમણે કહ્યું હતું કે તેમની બે વાત તેમને ખૂબ ગમે છે. જે ઘરની વાત ઘરમાં રાખવી અને સિંહનું કાળજુ રાખવું એમ તેમણે જણાવ્યું હતું. ભરૂચના ત્રાલસા ખાતે નો કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ સુરત તરફ રવાના થયા હતા.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા