જામનગરના હેડ કવાર્ટરમાંથી બાઈક ચોરિના કિસ્સામાં હોમગાર્ડ જવાન ઝડપાયો

• નાઈટમાં ફરજ બજાવતા હોમગાર્ડની ધરપકડ: સિટી-બી પોલીસે ગણતરીની કલાકોમાં પકડી લીધો
• વાહન ચોરી ગયા બાદ વાહન માલિક સાથે ભેટો થઈ જતાં ભાંડો ફૂટી ગયો અને પોલીસ ફરિયાદ નોંધાઈ
જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં ડિટેઇન કરીને રાખવામાં આવેલા વાહનોનું રાત્રી દરમિયાન રખોપું કરી રહેલો હોમગાર્ડનો જવાન ખૂદ જ ચોર હોવાનો મામલો સામે આવતાં ભારે હડકંપ મચી ગયો છે. બે મહિના પહેલાં ચોરી કરેલું એક વાહન પોતે ફેરવી રહ્યો હતો, જે દરમિયાન એક સ્થળે વાહનના મૂળ માલિક સાથે ભેટો થઇ જતાં સમગ્ર ભાંડો ફૂટયો હતો, અને ડિટેઇન કરેલું વાહન ચોરી કરી જવા અંગે હોમગાર્ડના જવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત રખોપું કરનારી હોમગાર્ડ જવાને રાત્રે ફરજ દરમિયાન અન્ય એક વાહનની પણ ચોરી કર્યાનો મામલો સામે આવી રહ્યો છે .જે મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં ગત ૨૨.૦૩.૨૦૨૨ના દિવસે ટ્રાફિક પોલીસ દ્વારા જી.જે. ૧૦ સી.એફ. ૮૦૦૫ નંબરનું ટુ વ્હીલર ડીટેઇન કરીને પોલીસ હેડ ક્વાર્ટરમાં રાખવામાં આવ્યું હતું.
જે વાહન તેના મૂળ માલિક છોડાવવા આવ્યા ન હતા, પરંતુ પરમદિવસે વાહનના મૂળ માલિકને એક સ્કુટર ચાલકનો ભેટો થઇ ગયો હતો અને પોતાનુંજ વાહન તે ફેરવતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એક જ દુકાન પાસે ખરીદી કરવા આવતાં વાહન ચોર અને વાહન માલિકનો ભેટો થયો હતો.
ઉપરોક્ત ડિટેઈન કરેલું વાહન ચોરી થઇ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વાહન માલિક દ્વારા તુરત જ પોલીસ હેડકવાર્ટરમાં જઈને પોતાના સ્કૂટરની તપાસણી કરી હતી જ્યાંથી તેનું સ્કુટર ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ટ્રાફિક વિભાગને જાણ કરી હતી. ટ્રાફિક શાખાના ટોઇંગ વિભાગના ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.પી.ગોસાઈ દ્વારા આ મામલે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ડિટેઇન કરેલું અને પોલીસ હેડ ક્વાર્ટરમાં રાખેલું વાહન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ડી સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, અને તપાસ દરમિયાન પોલીસ હેડકવાર્ટરમાં ટોઇંગ વિભાગમાં રાત્રી દરમિયાન વાહનોનું રખોપું કરવાની ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના વતની એવા જોગિન્દરસિંહ ગોહિલ નામના હોમગાર્ડના જવાનનું કારસ્તાન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેથી સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત ચોરી થઈ ગયેલું સ્કૂટર પરત કબજે લેવાયું છે અને પોલીસ સ્ટેશન રખાયું છે.
હોમગાર્ડઝ જવાન અન્ય વાહન ચોરીમાં પણ સંડોવાયેલો હોવાની શંકા
હોમગાર્ડના જવાનની વિશેષ પૂછપરછ શરૂ કરાઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વાહનોનું રખોપું કરનાર હોમગાર્ડના જવાને એકથી વધુ વાહન ચોરી કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. આ જાણકારીને લઈને હોમગાર્ડનું તંત્ર પણ સતર્ક બન્યું છે અને વાહન ચોરીમાં સંડોવાયેલા હોમગાર્ડના જવાન સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
રિપોર્ટ રોહિત મેરાણી (જામનગર)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756