પી પી સવાણી યુનિવર્સિટી ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન માટે કાર્યક્રમ યોજાયો

પી પી સવાણી યુનિવર્સિટી ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન માટે કાર્યક્રમ યોજાયો
ધામરોડની પી પી સવાણી યુનિવર્સિટી ખાતે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ઘ્વારા
ગુજરાતી ભાષાની સજ્જતા, સરક્ષણ અને સજ્જતા માટે કાર્યક્રમ યોજાયો
હું મારી માઁ ને પ્રેમ કરું છું, મારી માતૃભાષાને પ્રેમ કરું છું…….ભાગ્યેશ ઝહાં ( અધ્યક્ષ -ગુ સાહિત્ય અકાદમી )
આજે આપણને તિથિ યાદ રહેતી નથી, તારીખ યાદ રાખીએ છીએ. આપણે જન્મદિવસ પણ તારીખ પ્રમાણે જ ઉજવીએ છીએ….
હર્ષદભાઈ શાહ ( ઉપાધ્યક્ષ : માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન )
સમયની સાથે હાંસિયામાં ધકેલાતી જતી માતૃભાષા અને ભુલાતી જતી સંસ્કૃતિની સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન માટે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ઘ્વારા ધામરોડની પી પી સવાણી યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સરકારના પૂર્વ સચિવ ભાગ્યેશ ઝહાંએ ગુજરાતી ભાષાનું વૈવિધ્ય અને વૈભવના દર્શન કરાવી માતૃભાષાને સાચવવા અપીલ કરી હતી.
માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ભાષાની સજ્જતા, સંરક્ષણ અને સજ્જતા માટે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચની નારાયણ વિદ્યાલયના આચાર્ય અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના જિલ્લા સંયોજક મહેશભાઈ ઠાકર, યુનિવર્સીટીના કુલપતિ પરાગ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાંચે ગુજરાત અભિયાનમાં સમગ્ર ગુજરાતને ઓતપ્રોત કરનાર અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહે ગુજરાતી ભાષાના વૈવિધ્ય અને વૈભવના દર્શન કરાવતા કહ્યું હતું કે વાણી આપણું આભૂષણ છે. જે ગર્ભથી લઈ ને મૃત્યુ સુધી આપણી સાથે રહે છે. આ વાણી માત્ર વાણી ન રહી જાય તે માટે તેના સંવર્ધન માટે જે થાય તે જ આપણી માતૃભાષાનું સંવર્ધન, આપણે આપણી માતૃભાષાનું જતન કરવાનું છે.આપણે સ્વ ભાષા તો બોલીએ છીએ, પણ પર ભાષાને અત્યધિક પ્રેમ કરીએ છીએ. ભાષા એ વિચારોના આદાન પ્રદાનનું કામ કરે છે. પરંતુ ભાષાની સાથે બિલ્લી પગે અન્ય સંસ્કૃતિ આવે છે અને આપણી સંસ્કૃતિને નષ્ટ કરી જાય છે. આપણે તો હવે તિથિ ભૂલીને તારીખ યાદ રાખીએ છીએ, જન્મદિવસ પણ તારીખ પ્રમાણે જ ઉજવીએ છીએ. આપણે ગ્લોબલ થવા માટે લોકલ થવું પડે, અને લોકલ થવા માટે માતૃભાષા જ સમજવી પડે તેમ કહી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભાષા અને સંસ્કૃતિની સજ્જતા, સંરક્ષણ અને સંવર્ધન માટે કાર્ય કરે છે જેમાં જોડાઈને સંસ્કૃતિને બચાવવા હાકલ કરી હતી.
રાજ્ય સરકારના પૂર્વ સચિવ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝહાં એ પણ પોતાની હળવી શૈલીમાં માતૃભાષાના મહત્વને ઉજાગર કરતા કહ્યું હતું કે જેમ આપણને હવા અને પાણી મફતમાં મળ્યા છે, તેમ માતૃભાષા પણ મફતમાં મળી છે. જે વસ્તુ મફતમાં મળે તેની આપણને કિંમત હોતી નથી. હું મારી માં ને પ્રેમ કરું છું, મારી માતૃભાષાને પ્રેમ કરું છું. ગુજરાતી મારી માતૃભાષા છે, મારી માં છે. હિન્દી મારી માસી અને સંસ્કૃત ભાષા મારી દાદી છે. જ્યારે અંગ્રેજી મારી પડોશમાં રહેતી સુંદર વિદેશી નારી છે. મને ઊંઘ આવે તો મારી માં માતૃભાષામાં જ હાલરડું ગાય છે. આ માતૃભાષાને નહીં બચાવીએ તો ભાષાના તોફાનો ઉભા થશે. સમાજ વિભાજીત અને બરબાદ થઈ જશે તેમ કહી માતૃભાષાનું ગૌરવ વધારવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે કાયકર્મ દરમ્યાન નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકારો અને કવિઓની કૃતિ નાટ્યાત્મક રીતે રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300