હોટલ, ગેસ્ટ હાઉસવાળાઓ માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા કરાયેલ હુકમ

હોટલ, ગેસ્ટ હાઉસવાળાઓ માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા કરાયેલ હુકમ
Spread the love

દેશમાં તથા રાજયમાં થતા ત્રાસવાદી હુમલા તથા બોમ્બ વિસ્ફોટના બનાવો પરથી જણાઇ આવે છે કે ત્રાસવાદી તત્વો પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા સ્થળો જેવા કે હોટલ, ગેસ્ટહાઉસ વિ. માં રોકાણ કરી, શહેર તથા ધાર્મિક સ્થળોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની ત્રાસવાદી તેમજ અસામાજીક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય અથવા તો અકુંશ મુકી શકાય તે સારૂ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓ તથા આતંકવાદીઓને પકડવા તેમજ તેમને લગતી માહિતી મેળવવા અને તેમની હેરફેર અંગે સચોટ માહિતી રાષ્ટ્રીય હિતમાં મેળવવા માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે અને જાહેર જનતાનો સહકાર ઉપરોક્ત હેતુસર સાચી દિશામાં મળી રહે તે સારૂ પ્રવર્તમાન સંજોગેને અનુલક્ષીને શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના હદ વિસ્તાર માટે નીચેની વિગતે અમલવારી માટે હુકમ કરવામાં આવ્યો છે.

  1. પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક હોટલ, ગેસ્ટ હાઉસ વિ. એકમોમાં રહેવા આવનાર દરેક મુસાફરની શકય હોય ત્યા સુધી તેમના જ હસ્તાક્ષરમાં રજિસ્ટરમાં જરૂરી નોંધ કરવી/ કરાવવી તથા મુસાફરની સહી લેવી.
  2. આ રજિસ્ટરમાં મુસાફરની સહી સાથે પુરૂષ મુસાફરના ડાબા હાથના અંગુઠાનું તથા સ્ત્રી મુસાફરના જમણા હાથના અંગુઠાનું નિશાન લેવાનું રહેશે.
  3. પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા હોટલ તથા ગેસ્ટ હાઉસના રીસેપ્સન કાઉન્ટર ઉપર દરેક પ્રવાસી જોઇ શકે તે રીતે રૂમોનું ટેરીફ બોર્ડ તથા જરૂરી સુચનાઓ પ્રદર્શિત કરવાની રહેશે. તથા રજિસ્ટરમાં દરેક મુસાફરની વિગતો ઉપરના મુદ્દા (૧) તથા (૨) ની વિગતો નોંધાયા બાદ મુસાફરની વિગતો લખાવનાર/ મેળવનાર સંબંધિત સંચાલક-અધિકૃત વ્યક્તિએ પણ સહી કરવાની રહેશે. ત્યારબાદ ફોટો ઓળખપત્ર અથવા વૈકલ્પિક યોગ્ય ઓળખલક્ષી પુરાવો રજુ થયા બાદ જ હોટલમાં પ્રવેશ આપવાનો રહેશે તથા તે મુજબના અમલ અંગે જાહેરાતનું બોર્ડ મોટા અક્ષરે પ્રદર્શિત કરવું.
  4. પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા તમામ હોટલ/ ગેસ્ટ હાઉસના રીસેપ્શન કાઉન્ટર ઉપર સી.સી.ટીવી કેમેરા રાખવા જેથી પ્રવાસીઓ તથા તેમના સામાન વિ. નું વીડીયો રેકોર્ડીંગ થઇ શકે. તેમજ તે ઓછામાં ઓછા ૧૦(દસ) દિવસ સાચવી રાખવું પડશે.
  5. પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક હોટલ/ ગેસ્ટ હાઉસ વિ. એકમોમાં પ્રવાસી ગેસ્ટના વાહનોની સંપૂર્ણ વિગતો દર્શાવતું રજીસ્ટર નિભાવવાનું રહેશે.
  6. આકસ્મિક આગજનીના અકસ્માત નિવારવા જરૂરી પ્રમાણમાં અગ્નિશામકો રાખવાના રહેશે.
  7. દરેક મુસાફરની પોતાની સંપૂર્ણ ઓળખ, ટેલીફોન નંબર, મોબાઇલ નંબર તેમજ પ્રવાસીને રહેવાની સુવિધા આપતા હોટલ/ગેસ્ટહાઉસ વિ. એકમોની નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચિત/ સગા/ સંબંધીનું નામ-સરનામું, મોબાઇલ નંબરની વિગતો આ રજીસ્ટરમાં નોંધવામાં આવે તે અંગેની જવાબદારી સંબંધિત એકમના સંચાલકની નિયત કરવામાં આવે છે.
  8. મુસાફરના ફોટો ઓળખકાર્ડ (ચુંટણી ઓળખકાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્સ/ કચેરીનું ઓળખકાર્ડ/ પાસપોર્ટ/ વૈકલ્પિક યોગ્ય ઓળખલક્ષી પુરાવો વિ.) ની સેલ્ફ એટેસ્ટેડ ફોટો કોપી પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક હોટલ/ ગેસ્ટ હાઉસ વિ. એકમોના દફતરમાં રાખવાની રહેશે.
  9. બનાસકાંઠા જિલ્લાની હદમાં આવતા પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા દરેક હોટલ/ ગેસ્ટ હાઉસ વિ. એકમના માલિક તથા મેનેજર/ તમામ કર્મચારીઓના નામ, સરનામા, નજીકના સગાની વિગતો, આંગળીઓના નિશાન વિગેરેની હકીકતો તેમજ આવી હોટલોની અન્ય સાથી હોટલ/ ગેસ્ટ હાઉસ/ લોજ કયા કયા સ્થળે આવેલ છે ? તેમના માલિક/ મેનેજર/સંચાલકના નામ, સરનામા, ટલીફોન, મોબાઇલ નંબરની લેખિત માહિતી સંબંધિત પોલીસ સ્ટેશન/સંબંધકર્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીને ફરજિયાત આપવાની રહેશે.
  10. ઉપરોક્ત વિગતોની અમલવારી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અમલદારની રહેશે.
  11. બનાસકાંઠા જિલ્લાની હદમાં આવેલ ગેસ્ટ હાઉસ/હોટલના માલિકોએ PATHIK (Programme for Analysis of travellers and Hotel Informatiks) સોફ્ટવેર ઇન્સટોલ કરી, તેમની હોટલ/ગેસ્ટહાઉસમાં રૂમ ભાડે રાખતા મુસાફરો/વ્યક્તિઓની રજીસ્ટરમાં નોંધાયેલી વિગતો PATHIK (Programme for Analysis of travellers and Hotel Informatiks) સોફ્ટવેરમાં પણ એન્ટ્રી કરવાની રહેશે.

આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ તથા ગુ. પો. અધિ. ક.૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!