જામનગરના સાધના કોલોની વિસ્તારમાં હંગામો મચાવનાર ૬ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં હંગામો મચાવનાર ૬ વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જૂની અદાવતના કારણે ૬ જેટલા શખ્સોએ હંગામો મચાવ્યો હતો, અને અનુસૂચિત જ્ઞાતિના સાસુ-વહુ પર હુમલો કરી ઇજા પહોંચાડયાની અને સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. ઉપરાંત એક મહિલાનો મોબાઇલ ફોન તોડી નાખી ત્યાંથી પસાર થતી રીક્ષાનો કાચ તોડી નાખ્યાનું ફરિયાદમાં જાહેર કરાયું છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતી ભારતીબેન બીપીનભાઈ ચાવડા નામની અનુસૂચિત જ્ઞાતિની મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના સાસુ રમાબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અને પોતે અનુસૂચિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે અફઝલ ગામેતી, મુકેશ સિંધી, નિકુલસિંહ જાડેજા અને તેના અન્ય ત્રણ સાગરીતો સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ભારતીબેનના દિયર સાથે ઉપરોક્ત આરોપીઓને જૂનું મનદુઃખ ચાલતું હતું, જેનું વેર વાળવાના ભાગરૂપે ગઈકાલે તમામ આરોપીઓ ફરિયાદી મહિલાના ઘર પાસે ધસી આવ્યા હતા, અને આ હુમલો કરી દીધો હતો.
ઉપરાંત સાસુ રમાબેનના હાથમાં રહેલો રૂપિયા ૫,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. ત્યારે આ ધમાચકડી વચ્ચે ત્યાંથી પસાર થઈ રહેલા નવીનભાઈ દામા નામના રીક્ષા ચાલકની રીક્ષામાં આગળના કાચ પર આરોપીઓએ પથ્થર મારીને કાચ તોડી નાખ્યો હતો, અને રૂપિયા ૫,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું, પોલીસે એસ્ટ્રોસિટી અને હુમલા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તમામ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.
રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300