અમરેલી : ઘર છોડી આવેલી સગીરાને કાઉન્સેલિંગ કરી વિકાસ ગૃહ ખાતે મોકલવામાં આવી

- સગીરાને ૧૮૧ તેમજ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા લાંબા ગાળાના આશ્રય માટે મદદ પૂરી પાડવામાં આવી
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, અમરેલી, જિલ્લા મહિલા અને બાળ કચેરીના માર્ગદર્શન નીચે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે. હિંસાથી પીડિત બહેનોને એક જ છત નીચેથી તમામ મદદ પૂરી પાડવામાં આવે છે. ‘સખી’ વન સ્ટોપ સેન્ટર અમરેલી ખાતે અમરેલી જિલ્લાના એક ગામમાંથી મહિલા હેલ્પલાઈન અભયમ ૧૮૧ ને ફોન કરી જાણ કરી હતી. ઘર છોડીને નીકળી ગયેલી એક સગીરાએ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની મદદ માંગી હતી. ૧૮૧ અભયમની મદદથી આ સગીરાને સખી વન સ્ટોપ સેન્ટર પર લઈ આવવામાં આવી હતી. જેમાં સગીરાની માતાએ પૈસાની લાલચમાં એક જગ્યાએ નક્કી કરેલી સગાઇ તોડી બીજી જગ્યાએ કરવા માંગતાં હતા અને પિતા પણ દારુ પીને તેને માર મારતા હતા,
આ ત્રાસથી કંટાળીને સગીરા જેની સાથે સગાઇ નક્કી કરી હતી ત્યાં ગઈ હતી પરંતુ હાલ તે સગીર વયની હોય તેણે ૧૮૧ની મદદથી સખી વન સ્ટોપ સેન્ટર – અમરેલી પર લઈ આવવામાં આવી હતી. અમરેલી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મયોગીઓ દ્વારા તેનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે હવે તેના માતાપિતા ના ઘરે જવામાં સુરક્ષિત નથી. આથી સગીરાની ઈચ્છા મુજબ તેને વિકાસ ગૃહ – અમરેલી ખાતે મોકલી આપવામાં આવી છે. આમ, ઘર છોડીને નીકળી ગયેલી સગીરાને ૧૮૧ તેમજ વન સ્ટોપ સેન્ટર દ્વારા લાંબા ગાળાના આશ્રય માટે મદદ પૂરી પાડવામાં આવી છે, તેમ મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી અમરેલી, સખી વન સ્ટોપ સેન્ટરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.