સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે.

ગીતામૃતમ્..
સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે.
અત્યારે પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે.શ્રીમદ ભગવદ ગીતાના પંદરમા અધ્યાયને પુરૂષોત્તમ યોગ નામથી કહેવામાં આવે છે.પુરૂષોત્તમ માસમાં આ અધ્યાયનો પાઠ જ્ઞાન વૈરાગ્ય અને ભગવદચિંતન વધારે છે.દેખાવાવાળા પદાર્થોમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી હવે જે શક્તિથી સમષ્ટિ-જગતમાં ક્રિયાઓ થઇ રહી છે તે સમષ્ટિ-શક્તિમાં પોતાનો પ્રભાવ પ્રગટ કરતાં પંદરમા અધ્યાયના શ્ર્લોક-૧૩માં કરતાં ભગવાન કહે છે કે..
ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા
પુષ્ણામિ ચૌષધિઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ
હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી તમામ પ્રાણીઓને ધારણ કરૂં છું અને હું જ રસસ્વરૂપ ચંદ્રમા બનીને તમામ વનસ્પતિ(ઔષધિ)ઓને પુષ્ટ કરૂં છું.
ભગવાન જ પૃથ્વીમાં પ્રવેશ કરીને તેના પર રહેલા તમામ સ્થાવર-જંગમ પ્રાણીઓને ધારણ કરે છે એટલે કે પૃથ્વીમાં જે ધારણશક્તિ દેખવામાં આવે છે તે પૃથ્વીની પોતાની ન હોઇ ભગવાનની છે.પૃથ્વીની અપેક્ષાએ જળસ્તર ઉંચુ છે અને પૃથ્વી પર જળનો ભાગ સ્થળની અપેક્ષાએ બહુ વધારે છે આમ હોવા છતાં પણ પૃથ્વી જળમગ્ન થતી નથી આ ભગવાનની ધારણશક્તિનો પ્રભાવ છે.પૃથ્વીમાં અન્ન વગેરે ઔષધિઓને ઉત્પન્ન કરવાની ઉત્પાદિકા શક્તિ તેમજ ગુરૂત્વાકર્ષણશક્તિ પણ ભગવાનની સમજવી જોઇએ.
પ્રકૃતિનું સૌથી સ્થૂલતત્વ પૃથ્વી છે તેમાંથી અન્ન,ઔષધિ,વનસ્પતિ વગેરેની ઉત્પત્તિ થાય છે. બધું ઉત્પાદીત તત્વ ભૂમિમય છે.આખું જગત ભૂમિમય છે.પૃથ્વી પાસેથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લેવાનો છે.પૃથ્વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે.૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી ૫રો૫કાર કેવી રીતે કરવો? તેનો બોધ લેવાનો છે.
ચંદ્રમાના માધ્યમથી તમામ વનસ્પતિઓને ભગવાન પુષ્ઠ કરે છે.અહી સોમ-પદ ચંદ્રમંડળનું નહી પરંતુ ચંદ્રલોકનું વાચક છે જે સૂર્યથી પણ ઉપર છે.નેત્રોથી આપણને જે દેખાય છે તે ચંદ્રમંડળ છે.ચંદ્ર મંડળથી ઉપર આંખોથી ન દેખાવાવાળો ચંદ્રલોક છે.ભગવાન જ ચંદ્રમાને નિમિત્ત બનાવીને સૌનું પોષણ કરે છે.
હે મુમુક્ષ માનવ ! ઉ૫ર જે સૂર્ય,ચંદ્રમા અને તારાઓ દેખાય છે તેની ચમક-દમક અને તે પોતે નાશવાન છે.નીચે ત્રણ તત્વઃપૃથ્વી,પાણી અને અગ્નિ કે જેનો ખુબ મોટો વિસ્તાર છે અને તેનાથી તમામ સંસારની રચના થઇ છે તે ૫ણ નાશવાન છે.આ નવ વસ્તુઓ દ્રશ્યમાન છે જેને માયા કહેવામાં આવે છે.દશમો બ્રહ્મ તેનાથી ન્યારો અને તેમની વચ્ચે સમાયેલ છે.માયા તો ક્ષણભંગુર હોવાથી નાશવાન છે પરંતુ આ અવિનાશી તત્વ બ્રહ્મ જ સર્વ કંઇ છે.તેને મહાત્માઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કહે છે.
એક જ ચેતન તત્વ પરમાત્માના સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડમાં જ તમામ દેવ,ભૂત સમુદાય,કમળના આસન પર બ્રહ્મા,શંકર અને ઋષિઓ વિરાજમાન છે.અનેક ઇશ્વરવાદીઓને એક જ પરમાત્મા બ્રહ્મા વિષ્ણું મહેશ તથા કાળ કર્મ ચંદ્રમા અને સૂર્યના ભેદથી અલગ અલગ ભાસે છે પરંતુ ૫રમાત્મા વાસ્તવમાં એક અદ્વિતિય બ્રહ્મ છે.જેમ પૂતળીવાળો પડદામાં રહીને તમામ પૂતળીઓને નચાવે છે તેવી રીતે એક રામ જ સમગ્ર સૃષ્ટ્રિેને નચાવી રહ્યા છે.આ નાચવાવાળાઓમાં ત્રિદેવ ૫ણ સામેલ છે.
ચંદ્રમાની કળા વધે છે અને ઘટે છે તેમ આ શરીરની અવસ્થા અસ્થિ જાયતે વિ૫રિણમમતે અ૫ક્ષી૫તે અને નશ્યઆતિ-આ ક્રમ છે.ચંદ્ર પાસેથી મને દેહની ક્ષુદ્રતા અને આત્માની અમરતાનું શિક્ષણ મળ્યું છે.મારે ક્યાં અને ક્યારે મરવાનું તે ખબર નથી એટલે જ્યાંસુધી આ શરીર છે ત્યાંસુધી પ્રભુનું કાર્ય કરી લેવું, સત્કર્મ કરવું હોય તો આજે જ કરી લો,આવતી કાલ ઉ૫ર ના છોડવું.શુકલ ૫ક્ષમાં બધા ચંદ્ર તરફ જુવે છે ૫રંતુ કૃષ્ણ ૫ક્ષમાં એના તરફ કોઇ જોતું નથી છતાં તે એટલો જ શાંત-સ્વસ્થ અને સમાધાની છે. આ૫ણા જીવનમાં ૫ણ એક દિવસ એવો આવશે કે જયારે આ૫ણી કોઇને જરૂર નહી હોય,કોઇ આ૫ણને પુછશે ૫ણ નહી,આ૫ણા અસ્તિસત્વની કોઇ નોંધ ૫ણ નહી લે તેમછતાં તે વખતે તેવી જ શાંત અને સમાધાની વૃત્તિથી જીવવાનું શિક્ષણ ચંદ્ર પાસેથી લેવાનું છે.
તે પરમ પદને સૂર્ય,ચંદ્રમા કે અગ્નિ ૫ણ પ્રકાશિત કરી શકતા નથી અને જે પરમ પદને પામીને મનુષ્યો પાછા સંસારમાં આવતા નથી તે જ મારૂં પરમધામ છે.
જ્યાં પ્રભુ ૫રમાત્મા સ્વરૂ૫તઃ સ્થિત છે ત્યાં નથી દિવસ કે રાત..ત્યાં નથી સૂર્ય કે ચંદ્ર..ત્યાં તારા નથી કે નથી ધરતી આકાશ પવન પાણી એટલું જ નહી ત્યાં તો કાળની સત્તા ૫ણ ૫હોંચતી નથી.ત્યાં ધૂ૫ છાંવ ૫ણ નથી, તેને તે જ જાણી શકે છે જેની ત્યાં દ્દષ્ટિ ૫હોંચે છે.તે સ્વરૂ૫ સર્વથી ભિન્ન છે અદ્રિતિય છે.
આકાશમાં સૂર્ય જેવા અનેક ગ્રહો તારાઓ બધું જ છે છતાં સૂર્યને જ ભગવાન શું કામ કહ્યાં? આમ તો સૂર્ય, અગ્નિ, ચંદ્ર, તારા, વીજળી આ બધામાંથી આપણને પ્રકાશ-ઉજાસ મળે જ છે પણ દરેક પાસે મર્યાદા છે જેમ કે તારાઓ એટલા દૂર છે કે તેનો પ્રકાશ પૃથ્વી પર પાથરી શકતા નથી.અગ્નિ પ્રકાશ આપે છે પણ તેને પ્રજ્વલિત કરવો પડે.વીજળીનો પ્રકાશ અલ્પ ચમકારો છે.ચંદ્ર પર પ્રકાશિત છે.આ બધામાં સૂર્યનો પ્રકાશ જ સ્વયંભૂ સર્વવ્યાપક સર્વસમાન અને જીવનદાયક છે.સૂર્ય આપણને સમયકાળનું ભાન કરાવે છે. સૂર્ય થકી જ સવાર-સાંજ, દિવસ, રાત, ઋતુ-વર્ષ વગેરે ઉભાં થાય છે.સંપૂર્ણ સૃષ્ટિની ઉરિવશશક્તિ સૂર્યના કિરણોમાંથી જ પ્રાપ્ત થાય છે માટે સૂર્યને નારાયણ અર્થાત ભગવાન તરીકેનું સ્થાન આપણે આપ્યું છે એટલે કે જ્યાં સૂરજ ચંદ્રમા તારાઓ અગ્નિ વગેરે નથી ત્યાં નિરાકાર પ્રભુ પરમાત્માનું દશમું દ્વાર છે અને તેમાં જ ભક્તો રહે છે.આ પ્રભુમાં પ્રવેશ કરવા માટે હરિભક્ત કે હરિજનની કૃપા અનિવાર્ય છે.
મનના માલિક દેવ ચંદ્ર છે અને બુદ્ધિના માલિક સૂર્યદેવ છે.આ બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય.બંને વાસનાઓના સંપૂર્ણ વિનાશ વગર “મોહ”નો વિનાશ થતો નથી અને મોહનો વિનાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.
સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે તેથી તેના ધારક ઉત્પાદક પાલક સંરક્ષક પ્રકાશક ભગવાન છે.ભગવાનની શક્તિ હોવાથી અપરા પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300