સુરતના પાંડેસરામાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં 2 વર્ષની બાળકીનું મોત
સુરતઃ પાંડેસરામાં ઘર નજીક રમતા રમતા બે વર્ષની બાળકી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. પુત્રી ટાંકીમાં પડી જતા માતાએ બૂમાબૂમ કર્યા બાદ પડોશીઓ દોડી આવ્યા હતા અને બાળકીને ટાંકી માંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
ડોક્ટરે મૃત જાહેર કરી
પાંડેસરા બમરોલી રોડ આશાપુરી સોસાયટી ખાતે રહેતા બિપીનભાઇ પાલ ડાઈંગ મીલમાં નોકરી કરે છે. રવિવારે બપોરે તેમની પત્ની ઘરમાં હતી અને પુત્રી સૃષ્ટી(2) ઘરની બહાર રમતી હતી. અચાનક રમતી બાળકી ટાંકી પાસે પહોંચી હતી. બીજી બાજુ થોડો સમય બાદ તેમની પત્ની ઘરની બહાર નીકળ્યા ત્યારે સૃષ્ટિ ન દેખાતા તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન માસુમ સૃષ્ટિ ઘરની બહાર ખુલ્લી પાણીની ટાંકીમાંથી ડુબેલી હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના સીએમઓ ડો. દિનેશ મંડલે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઈસીજી મશીન બંધ પડતા બીજુ મંગાવાયું
2 વર્ષની બાળકીને બેભાન હાલતમાં ટ્રોમાં સેન્ટરમાં લઈ આવ્યા બાદ તેનુ હૃદય ચાલી રહ્યું છે કે બંધ થઈ ગયું છે તે તપાસવા માટે ઈસીજી મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા. જોકે ઈસીજી મશીન ખોટકાઇ ગયું હતું. ઈમરજન્સી મેડિસીન વિભાગમાં એક માત્ર ઈસીજી મશીન હોવાથી તબીબો મુંઝવણમાં મુકાઈ ગયા હતા. જોકે, વીઆઈપી માટે અલાયદુ મુકવામાં આવેલું ઈસીજી મશીન યાદ આવતા આખરે તેનો ઉપયોગ કરી બાળકીને તપાસવામાં આવી હતી. ત્યાર બાદ બાળકી સૃષ્ટીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.