તેલંગણામાં વિદ્યાર્થિનીને 99ને બદલે ‘0’ માર્ક આપનારી શિક્ષિકાને સસ્પેન્ડ કરાઈ

તેલંગાણામાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીને ખોટા ગુણ આપવા એક શિક્ષિકાને ભારે પડી ગયા છે. તેલંગાણા ઈંટરમિડિએટ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં એક વિદ્યાર્થીનીને શિક્ષકે ૯૯ને બદલે માત્ર શૂન્ય માર્ક આપ્યો છે.
આ કારણે બોર્ડે તે શિક્ષિકાને સસ્પેન્ડ કરી છે. ત્રણ સભ્યોની બનેલી બોર્ડ કમિટિએ આ મામલે પોતાનો રિપોર્ટ સરકારના બોર્ડ ઓફ ઈંટરમિડિએટ એજ્યુકેશનને સોંપ્યો હતો અને અધ્યાપકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ ઉપરાંત બીઆઈઈએ અધ્યાપકને ૫,૦૦૦ રુપિયાનો દંડ પણ કર્યો છે.
આ કેસમાં ખાનગી શાળાના મહિલા શિક્ષક ઉમા દેવીને શાળાએ સસ્પેન્ડ કરી છે અને પાંચ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે. ઉમા દેવીએ તેલુગુ પેપરની કોપી તપાસી હતી જેમાં તેમણે ૧૨મા ધોરણની વિદ્યાર્થીની નાવ્યાને ૯૯ને બદલે માત્ર શૂન્ય ગુણ આપ્યા હતા.
આ ઉપરાંત બીઆઈઈએ પેપરની કોપી સ્ક્રુટિની કરવા મોકલવામાં આવી હતી તે શિક્ષક વિજય કુમારને પણ સસ્પેન્ડ કર્યા છે. વિજય કુમાર પાસે આ પેપર સ્ક્રુટિની માટે પહોંચ્યુ હતું તેમ છતા તેઓ આ ભૂલને શોધવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ સમગ્ર કેસ સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ શિક્ષણ બોર્ડ વિરુદ્ધ આંદોલન છેડયું છે. તમામ વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી દળ દ્વારા બોર્ડના અધિકારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. લોકો બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કૌભાંડમાં શામેલ ગ્લોબરેના ટેકનોલોજી વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ ખરાબ પરિણામથી નિરાશ થયેલા ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. આ કારણે સરકારે નાપાસ થયેલા ત્રણ લાખ વિદ્યાર્થીઓના પેપરની કોપી ફરીથી તપાસવા માટે આદેશ આપ્યો છે.