વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અમરેલી જિલ્લો

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અમરેલી જિલ્લો
હું વર્ષ ૨૦૧૨થી પ્રાકૃતિક કૃષિ કરું છું. મારી જમીન ફળદ્રુપ બની, ઉત્પાદનમાં વધારો નોંધાયો : પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત શ્રી વનરાજભાઈ ઝાંપડીયા
શ્રી વનરાજભાઈએ બાબરા તાલુકાના ચરખા મુકામે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં પોતાના પ્રાકૃતિક કૃષિલક્ષી અનુભવો જણાવ્યા
ખેતી લાયક જમીનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનાં ઉપયોગથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે
આલેખન : શ્રી ડી. એન. વાળા
તસવીર અને ફિલ્માંકન : શ્રી એમ.એમ.ધડુક
અમરેલી : વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. તાજેતરમાં કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં બાબરા તાલુકાના ચરખા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં બાબરા તાલુકાના સુખપર ગામના રહેવાસી અને પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી વનરાજભાઈ ઝાંપડીયાએ પોતાના પ્રાકૃતિક કૃષિલક્ષી અનુભવો જણાવ્યા હતા. શ્રી વનરાજભાઈ પોતાની ખેતીલાયક જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરીને મબલખ કમાણી કરી રહ્યા છે. શ્રી વનરાજભાઈએ વર્ષ ૨૦૧૨માં પ્રાકૃતિક કૃષિ કરવાનું શરુ કર્યુ હતુ. તેઓએ ગોબર ગેસ ઉપરાંત વેસ્ટ કોથળાનું મલ્ચિંગ કરીને તેનો ઉપયોગ ખાતર તરીકે પોતાની જમીનમાં કર્યો છે. શાકભાજી પાક જેમ કે, સરગવો, કાકડી, મરચા સહિતના પાકનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. તેમણે સરકારની પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ સહાય યોજનાનો લાભ પણ પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કૃષિમાં ગુણાત્મક વૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ, બાગાયત પાકો, ફાર્મ મિકેનાઇઝેશન, સ્માર્ટ ફાર્મિંગ તેમ જ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
શ્રી વનરાજભાઈએ પોતાના પ્રાકૃતિક કૃષિલક્ષી અનુભવો વિશે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ થકી મારી જમીન ફળદ્રુપ બની છે અને ઉત્પાદન પણ સારું મળે છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડસનો ઓછામાં ઓછો ઉપયોગ કે, નહિવત ઉપયોગ અને માત્ર ઘન જીવામૃતથી સારું પાક ઉત્પાદન મેળવી શકાય છે. શ્રી વનરાજભાઈએ ખેડૂતોને રસાયણ અને પેસ્ટીસાઈડ્સ મુક્ત ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. ખેતીની જમીનને આવા રસાયણોથી બચાવવા માટે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગૌ આધારિત પ્રાકૃત્તિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઝેરમુક્ત કૃષિ સમયની જરુરિયાત હોય સૌ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરુરી છે.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300