રાજકોટ : એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારે યુવાનનું હાર્ટએટેકથી મોત

રાજકોટ શહેર નવા થોરાળામાં ખીજડાવાળા મે.રોડ પર રહેતાં મનુભાઈ હિરજીભાઈ પરમાર ઉ.૫૫ ગઈકાલે સાંજના પ વાગ્યે સાધુવાસવાણી રોડ પરથી પોતાના ઘરે કારમાં પરત ફરતાં હતાં ત્યારે તેઓ કાર ચલાવી એસ્ટ્રોન ચોક નજીક પહોંચતા છાતીમાં દુખાવો ઉપડતાં તેમની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી અને તેઓ બેભાન થઈ ગયાં હતાં. બનાવ સ્થળે એકઠાં થયેલ સ્થાનિકોએ તેઓને તત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ.ડિવિઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતકના સબંધીએ જણાવ્યા અનુસાર મનુભાઈને આજી વસાહતમાં બાલાજી પ્લાસ્ટિક નામનું કારખાનું આવેલ છે. તેઓ ઘણાં સમયથી કોલેસ્ટ્રોલની બીમારીથી પીડિત હતાં. તેઓ ગઈકાલે સાંજે સાધુવાસવાણી રોડ પર કોઈ કામ સબબ ગયાં હતાં જ્યાંથી તેઓ ઘરે પરત ફરતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો. તેઓ સાત ભાઈ-બહેનમાં વચ્ચેટ અને સંતાનમાં એક પુત્ર છે. જેને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)