વ્હેલ માછલીની ઉલટી વેચવા આવેલી ગેંગ ઝડપાઇઃ એક ગુજરાત સહિત બે પકડાયા

મુંબઇ,
મુંબઈમાં વ્હેલ માછલીની ઉલટી વેચવા માટે આવેલી એક ગેંગને મુબંઈ પોલીસે ઝડપી પાડી છે. આ ઉલટીનુ વજન એક કિલો કરતા વધારે હતુ અને માર્કેટ ભાવ પ્રમાણે તેની કિંમત ૧.૭ કરોડ રૂપિયા થવા જતી હતી. પોલીસને માહિતી મળ્યા બાદ નાગપુરના રહેવાસી રાહુલ તુપારેની પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી ઉલટી મળી આવી છે.
તુપારેની પૂછપરછ બાદ પોલીસે એક ગુજરાતી લલિત વ્યાસની પણ ધરપકડ કરી છે. પોલીસને એવુ પણ જાણવા મળ્યુ છે કે, તૂપારેને આ પદાર્થ વ્યાસે જ સોંપ્યો હતો.
આ પદાર્થની પોલીસે નિષ્ણાતો પાસે ચકાસણી કરાવી છે અને પ્રાથમિક તબક્કે તે વહેલની ઉલટી હોવાનુ જાણવા મળ્યુ છે. મુંબઈ પોલીસની એક ટીમ મામલાની તપાસ માટે ગુજરાતમાં મોકલવામાં આવી છે. વ્હેલ માછલીની ઉલટી અમ્બરગ્રિસ તરીકે પણ ઓળખાય છે. આ એક એવો પદાર્થ છે જેની પરફ્યુમ બનાવવામાં ભારે માગ છે અને તેની સામે તેનો સપ્લાય ઓછો છે. જેના કારણે વ્હેલની ઉલટી કરોડો રૂપિયામાં વેચાતી હોય છે.
અમ્બરગ્રિસ સ્પર્મ વ્હેલ તરીકે ઓળખાતી વ્હેલ માછલીના આંતરડામાં બને છે. વ્હેલ માછલી ઉલ્ટી કરીને તે બહાર કાઢી નાંખે છે. કેટલીક વખત સમુદ્રમાં આ પદાર્થ સપાટી પર તરતો મળી જાય છે. ક્્યારેક આ પદાર્થ મેળવવા માટે વહેલનો શિકાર પણ કરાતો હોય છે. જેના કારણે તેને તરતા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. પરફ્યુમમાં તેનો ઉપયોગ એટલા માટે થાય છે કે, તેના ઉપયોગથી પરફ્યુમની સ્મેલ લાંબો સમય ટકી રહે છે.