રેલવેના ખાનગીકરણની કોઈ દરખાસ્ત નથીઃ પીયૂષ ગોયલ

ન્યુ દિલ્હી,
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે લોકસભામાં એક પ્રશ્ર્નના ઉત્તરમાં કહ્યું હતું કે ભારતીય રેલવેના ખાનગીકરણની કોઈ દરખાસ્ત નથી. ખાનગી ઓપરેટરોને બે ટ્રેન આપવાની દરખાસ્તના સંદર્ભમાં રેલવેના ખાનગીકરણનો પ્રશ્ર્ન લોકસભામાં પૂછાયો હતો. રેલવે પ્રધાને લેખિતમાં જણાવ્યું હતું કે ખાનગી ખેલાડીઓ દ્વારા પેસેન્જર ટ્રેન દોડાવવા વિશે કોઈ નિર્ણય લેવાયો નથી. જાકે, અમુક વર્ગે જણાવ્યું હતું કે નવી દિલ્હી, લખનઊ તેજસ એક્સપ્રેસ ખાનગી ઓપરેટરો માટે નક્કી કરાઈ છે, પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. એક પૂરક પ્રશ્ર્નના ઉત્તરમાં રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગાડીએ કહ્યું હતું કે આ મુદ્દે વધુ અભ્યાસ થઈ રહ્યો છે. રેલવેનું ખાનગીકરણ કરવા કોઈ દરખાસ્ત નથી તે તેમણે સ્પષ્ટતા કરી હતી. અન્ય એક પ્રશ્ર્નના ઉત્તરમાં રેલવે પ્રધાને કહ્યું હતું કે ૧, એપ્રિલના રોજ રેલવે નેટવર્ક હેઠળ ૧૮૯ નવી લાઈનના પ્રોજેક્ટ હતા, જેમાં ૨૧૪૪૩ કિ.મી.નો સમાવેશ છે.