ફાલ્ગુની શ્રીમાળી કેસમાં વડનગરના 11 લોકો સામે ગુનો દાખલ

કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ હૃદયદ્રાવક સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી.
અમદાવાદમાં 2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેમણે ગત 21મી જુનનાં રોજ ચાંદખેડાની રહેવાસી મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. તેમની પાસેથી હ્યદય કંપાવતી સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. આ મામલે 11 લોકો સામે આપઘાત માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કાંતિ પરમાર, રાજન પરમાર, જયેશ પરમાર, જ્યેશની પત્ની, હિના પરમાર, આરતી પરમાર, કમળા પરમાર, પુષ્પા પરમાર, રિધમ પરમાર, અરવિદ પરમાર અને સેન્ટી પરમાર સામે ફરિયાદ થઈ છે. આ તમામ 11 આરોપીઓ વડનગરનાં રહેવાસી છે. આ લોકોનો ફાલ્ગુની સાથે ઝગડો થયો હતો. આ મામલામાં ચાંદખેડા પોલીસે સ્યુસાઇડ નોટ અને અન્ય પુરાવા પર તપાસ હાથ ધરી છે.
ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી સ્યૂસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે ભાઈને રોલ મોડલ ગણાવ્યો હતો, તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી હતી. માત્ર એટલું જ નહીં, ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યા હતા. તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે. આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે સાથે તેમાં હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે.