સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૧

ગીતામૃતમ્..
સ્થિતપ્રજ્ઞ પુરૂષનાં લક્ષણો ભાગ-૧
ઉત્પત્તિ અને પ્રલય જેના નિયંત્રણમાં હોય તેને કેશવ કહેવાય છે.
મોહરૂપી કાદવ અને શ્રુતિવિપ્રતિપ્રત્તિ (સાંભળવાથી થયેલ વિપરીત જ્ઞાન) દૂર થવાથી યોગને પ્રાપ્ત થયેલા સ્થિર બુદ્ધિવાળા પરમાત્મામાં સ્થિત સ્થિતપ્રજ્ઞ પુરૂષનું લક્ષણ શું છે? તે વિશે અર્જુન ગીતા (૨/૫૪) માં પ્રશ્ન કરે છે કે..
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ
હે કેશવ ! પરમાત્મામાં સ્થિત સ્થિર બુદ્ધિના પુરૂષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિનો પુરૂષ કેવી રીતે બોલે છે? કેવી રીતે બેસે છે? તથા કેવી રીતે ચાલે છે? એટલે કે વ્યવહાર કરે છે?
સ્થિતપ્રજ્ઞ વિશેનો પ્રશ્ન આવવાનું કારણ ભગવાને આપેલા જવાબો છે.ભગવાને બુદ્ધિ કેવી હોવી જોઈએ? તે વાત કરી,કર્મ કેવું હોવું જોઈએ? તે વાત કરી અને આ માટે મન પણ કેવું બનાવવું જોઈએ? તે વાત કરી.આ બધુ સાંભળીને અર્જુનને થયુ હોવું જોઈએ કે જેની બુદ્ધિ સ્થિર હોય તે વ્યક્તિ કેવો હશે? તેથી તેણે આ પ્રશ્ન પુછ્યો.
ત્રણ પ્રકારની બુદ્ધિવાળા લોકો હોય છે.સ્થિરપ્રજ્ઞ,સ્થાપિતપજ્ઞ અને સ્થિતપ્રજ્ઞ.મન ઉપર બુદ્ધિ,બુદ્ધિથી ઉપર મેધા અને મેધાથી ઉપર પ્રજ્ઞા.તેથી પ્રજ્ઞાવાન હોવું તે પણ એક સિદ્ધિ જ છે છતાં અર્જુનનો પ્રશ્ન ઉત્કૃષ્ટ કોણ છે? તે છે.સ્થિરપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સતેજ છે પણ તે સમય-સંજોગો પ્રમાણે બદલતી જાય છે, જેની બુદ્ધિ સંકલ્પો માટે વ્રતનિષ્ઠ નથી તે સ્થિરપ્રજ્ઞ.જે લોકો પોતાની અનુકૂળતા-પ્રતિકૂળતા પ્રમાણે ધ્યેય છોડી દે છે અને બીજા વ્યવહારિક કે સામાજીક ધ્યેય માટે પોતાની બુદ્ધિ વાપરે છે તે સ્થિરપ્રજ્ઞ.
સ્થાપિતપ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ બીજાના ધ્યેય પુરા કરવામાં વપરાય છે.જે બુદ્ધિશાળી હોવા છતાં સાત્વિક ધ્યેયને બદલે બીજાએ નક્કી કરેલા અથવા અનુકૂળ હોય તેવાં જ કામ માટે પોતાની બુદ્ધિ વાપરે છે તે.આ લોકો બુદ્ધિનો વેપાર કરે છે તેમ કહેવામાં જરાય વધારે પડતું નથી.જ્યારે સ્થિતપ્રજ્ઞ એ ભગવાનને ગમતો વ્યક્તિ છે.જેણે પોતાનાં મન-બુદ્ધિ ભગવાન માટે રાખ્યાં છે,જેણે પોતાની આવડત-હોશિયારી ભગવાન માટે વાપર્યા છે,જેણે સુખ-દુ:ખને ભગવાનનો પ્રસાદ ગણ્યો છે,જેણે આંખમાં,જીભમાં અને હ્રદયમાં ભગવાનને જ બેસાડ્યા છે અને વિશેષતઃ ભગવાન માટે,ભગવાન સાથે જે જોડાયેલો છે તે સ્થિતપ્રજ્ઞ છે.હવે અર્જુને “સ્થિતપ્રજ્ઞ” કેવો હોય છે તે પુછે છે.કોઈ કસોટી કરવા માટે અર્જુન પુછે નહિ પણ પોતાનું જીવન તેવું બનાવવું છે તે તેની તૈયારી છે.આ સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે છે? તે કેવી રીતે બેસે છે? કેવી રીતે ચાલે છે? આમ અર્જુન પુછે છે.અર્જુનનો કહેવાનો અર્થ એમ કે સ્થિતપ્રજ્ઞ લોકો પોતાની છાતી ઉપર “સ્થિતપ્રજ્ઞ” નું લેબલ લગાવીને ન ફરતાં હોય પણ તેની જીવન જીવવાની પદ્ધતિ પરથી જ તેને ઓળખી શકાય.
આપણે પણ છોકરીની સગાઈ માટે કોઈ છોકરા વિશે કે કુટુંબ વિશે પુછીએ જ છીએ ને ! કુટુંબ કેવું છે? છોકરો શું કરે છે? મોસાળમાં કોણ છે? આ વખતે આપણને જવાબ મળે એટલે આપડે એવું વિચારીએ કે આ છોકરાના ઘરમાં આપણી દિકરી સચવાશે કે નહિ ! વ્યક્તિની આસપાસનું વાતાવરણ,કુટુંબની રહેણીકરણી અને વ્યક્તિની બોલવા-ચાલવાની રીત પરથી આપણે નક્કી કરીએ છીએ કે વ્યક્તિ અને કુટુંબ કેવું હશે.માણસનાં મન પ્રમાણે તેનો વ્યવહાર હોય અને વ્યવહાર જેવો હશે તેનાં પરથી તેની જીવન જીવવાની પદ્ધતિનો ખ્યાલ આવે છે તેથી જ અર્જુનના પ્રશ્નો સ્થૂળ ક્રિયા માટેનાં પ્રશ્નો નથી પણ સ્થિતપ્રજ્ઞ ની જીવનપદ્ધતિ કેવી હોય છે તે સમજવા માટે છે.
પ્રથમ પ્રશ્ન છે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય? ભાષાના સાત પ્રકાર છેઃતોછડી-અસભ્ય ભાષા,કડવી ભાષા,મીઠી ભાષા,સત્યભાષા,માયાવી ભાષા,વિવેકી અને ભદ્ર ભાષા અને કલ્યાણકારી ભાષા.જે લોકો સત્ય પણ તોછડી,કર્કશ અને કડવી ભાષા બોલે છે તે સત્ય બોલવા છતાં પણ સ્થિતપ્રજ્ઞ ન કહેવાય.પ્રભાષેતનો અર્થ છે ઉચ્ચારણ કરવું.સ્થિતપ્રજ્ઞનો સ્વર મીઠો હોય,ઉચ્ચારણ સ્પષ્ટ હોય છે.
સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બેસે છે? બેસવાના ચાર પ્રકાર છેઃસભ્ય બેસવું..જેનો અર્થ થાય છે વિનય-વિવેક પૂર્વક જ્યાં જાઓ ત્યાં પોતાને માટે નિર્ધારીત કરેલ આસન ઉપર બેસવું તે સભ્ય બેસવું કહેવાય.અસભ્ય બેસવું..અપ્રિય સ્થળે સામે ચાલીને જવું અને પોતાને માટે નિર્ધારીત ના હોય અથવા પોતાને યોગ્ય ના હોય તેવા ઉંચા આસન ઉપર બેસી જવું તે અસભ્ય બેસવું છે.કલ્યાણ બેસવું..જેમકે દેવમંદિર,સાધુ સંતજનોની સાથે અથવા જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ થાય તેવી જગ્યાએ બેસવું તે કલ્યાણ બેસવું કહેવાય.અકલ્યાણ બેસવું –દારૂનું પીઠું,વેશ્યાવાડો,દુષ્ટ-દુર્જન-પતિત લોકોની સાથે બેસવું તે અકલ્યાણ બેસવું કહેવાય.
સ્થિતપ્રજ્ઞની ચાલ કેવી હોય છે? અથવા તે ક્યાં ક્યાં જાય છે? માણસની ચાલ ઉપરથી તેના સ્વભાવ અને વ્યક્તિત્વનું થોડા પ્રમાણમાં નિર્ધારણ થઇ જાય છે.જેની ધીર-ગંભીર,મક્કમતાભરી ચાલ હોય તે મહાપુરૂષ હોવાની પ્રથમ નિશાની કહી શકાય.જેની ચાલમાં ચંચળતા,અસ્થિરતા,ઉત્તેજકતા વગેરે અપલક્ષણો હોય તે સામાન્ય માણસ કહેવાય.અર્જુનના પુછાયેલા પ્રશ્નો બાહ્યાચાર સબંધી છે તો પણ તે સાર્વજનીક જીવન માટે મહત્વના છે.
જે મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઇ ચુક્યો છે તેના માટે સમાધિસ્થ પદ આવ્યું છે.બ્રહ્મા અને શિવને વશમાં રાખનાર કેશવ કહેવાય એટલે કે ઉત્પત્તિ અને પ્રલયની ક્રિયા જેના નિયંત્રણમાં રહેતી હોય તેને કેશવ કહેવાય છે.હવે બુદ્ધિના ભેદ સમજીએ.જે લોકવ્યવહાર અને આજીવિકામાં કામ આવે તે બુદ્ધિ છે.જ્યારે બુદ્ધિ તીવ્ર બુદ્ધિ બને ત્યારે તેને પ્રતિભા કહેવાય.બધાં પ્રાણીઓ બુદ્ધિશાળી તો હોય છે પણ બધાં પ્રતિભાશાળી નથી હોતાં.પ્રતિભાશાળી એ છે જેની પાસે કુશાગ્રતા હોય.પાણીમાં નાખેલું તેલનું ટીપું જેમ ફેલાઇ જાય છે તેમ ગુરૂની ભણાવેલી વિદ્યાને સ્વબળે વિસ્તૃત કરી શકે તે પ્રતિભા કહેવાય.પ્રતિભામાં જ્યારે પવિત્રતા ભળે ત્યારે તેને મેઘા કહેવાય.મેઘાનું રૂપાંતર પ્રજ્ઞામાં થાય ત્યારે તે પ્રાજ્ઞપુરૂષને જાણવાને યોગ્ય બને છે.પ્રજ્ઞા એટલે આત્મા-પરમાત્મા.જેમ જેમ આપણે નિષ્કામભાવથી નામસ્મરણ-સાધના કરીએ તેમ તેમ બુદ્ધિ નિર્મળ થતી જાય છે.નિર્મળ બુદ્ધિનાં ત્રણ લક્ષણો છેઃસહજ રીતે શુભ વિચારો આવવા લાગે,યથાલાભ સંતુષ્ટ રહે અને વૈરાગ્યવૃત્તિ જાગે અને વધે.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300