ભગવાનની વિભૂતિઓને તત્વથી જાણવાથી ભગવાનમાં ભક્તિ અને પ્રેમ થાય છે.

ગીતામૃતમ્..
ભગવાનની વિભૂતિઓને તત્વથી જાણવાથી ભગવાનમાં ભક્તિ અને પ્રેમ થાય છે.
ભગવાનના હ્રદયની ગોપનીય વાત ભક્તના સિવાય સંસારમાં બોજો કોઇ સાંભળવાવાળો નથી આથી ભગવાન અર્જુનના પુછ્યા વિના જ કૃપાપૂર્વક દશમા અધ્યાયના વિષયનો આરંભ કરતાં ગીતા(૧૦/૧)માં કહે છે કે..
ભૂય એવ મહાબાહો શ્રૃણુ મે પરમં વચ
યત્તેऽહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા
ફરીથી મારા પરમ વચનને તૂં ફરીથી પણ સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખવાવાળા તારા માટે હિતની ઇચ્છાથી કહીશ.
નવમા અધ્યાયના અંતે ભગવાન અને અર્જુન ભાવવિભોર છે.ભગવાને રાજવિદ્યા સમજાવી છે પરંતુ પ્રભુને પોતાના આ કથન પર હજી સંતોષ નથી,તેમને હજી વધુ કહેવું છે,આ પ્રેમનો આવેગ છે.પ્રભુના દિલમાં કેટલીયે વાતો છે પરંતુ પ્રભુ કહે કોને? સામે વાત સમજનાર તો હોવો જોઈએને ! અર્જુન જેવો સાંભળનાર અને સમજનાર મળ્યો છે,જિજ્ઞાસુ શિષ્ય મળ્યો છે તેથી યોગ્ય શ્રોતાને જોઈને ભગવાન અર્જુન ના પૂછ્યા વગર જ વિષય આરંભ કરે છે.અર્જુન રાજવિદ્યા સાંભળીને અવાક્ અને નત મસ્તક છે છતાં અર્જુનના પણ ભાવ એવા છે કે પ્રભુ તમે બોલ્યા કરો અને હું સાંભળ્યા કરૂં.અતિશય પ્રેમસભર આ સ્થિતિ છે.
ભગવાનની વિભૂતિઓને તત્વથી જાણવાથી ભગવાનમાં ભક્તિ અને પ્રેમ થાય છે.ભૂય એવ એટલે કે ફરી પણ. ભગવાન ફરી પણ એમ શા માટે કહે છે? યાદ કરી લઈએ કે આ અધ્યાયનું નામ વિભૂતિયોગ છે. સાતમા અધ્યાયના ૮થી૧૨મા શ્ર્લોકોમાં કારણરૂપે સત્તર વિભૂતિઓ કહી છે.નવમા અધ્યાયમાં ૧૬થી૧૯મા શ્ર્લોકોમાં કાર્ય-કારણરૂપે પ્રભુએ પોતાની સાડત્રીસ વિભૂતિ કહી છે.હવે આ અધ્યાયમાં હજી અન્ય વિભૂતિઓ બતાવવાના છે તેથી પ્રભુ કહે છે ફરી પણ. તે જ રીતે નવમા અધ્યાયમાં ૨૨થી૩૪ શ્ર્લોકોમાં જે ભક્તિનું વર્ણન કર્યું છે તેનું હજી સવિશેષ વર્ણન પ્રભુ કરવાના છે તેથી કહે છે ભૂય એવ.
મહાબાહો એટલે લાંબા હાથવાળો નહીં પરંતુ જેના હાથે મહાન કામો થયા છે અને થવાના છે તે. જેના બાહુ મહાનના કામે લાગ્યા છે તે. પાંડવોનો કર્મયોગ મહાન છે.પાંડવોએ ૧૯ વર્ષના ગાળામાં જંગલમાંથી મંગલ કર્યું હતું,રાજ્ય ઉભું કર્યું અને તેને નૈતિક બનાવ્યું હતું,આટલા કર્તૃત્વવાન હોવા છતાં કૃષ્ણ પ્રત્યે તેમને પ્રેમ હતો.શ્રીકૃષ્ણનો પડ્યો બોલ ઝીલવા તેઓ તત્પર રહેતા હતા.કૃષ્ણ ઈચ્છા તેમના માટે સર્વોપરિ હતી.
શ્રૃણુ મે પરમં વચ ભગવાનના મનમાં પોતાના મહિમાની,પોતાના હ્રદયની અને પોતાના પ્રભાવથી વાત કહેવાની ઇચ્છા વિશેષપણે આવી રહી છે એટલા માટે તેઓ અર્જુનને કહે છે કે તૂં ફરીથી મારાં પરમ વચનો સાંભળ.ભગવાનનો આશય છે કે પ્રાણીઓના અનેક પ્રકારના ભાવ મારાથી પેદા થાય છે અને મારામાં જ ભક્તિભાવ અને પ્રેમ થાય છે.આ વચનો એવા છે કે જે સૌ જીવોને યુગો-યુગો સુધી માર્ગદર્શન કરશે.
પ્રિયમાણાય એટલે મારામાં અત્યંત પ્રેમ રાખનાર.અર્જુનના જીવનની એવી કેટલીય ઘટનાઓ છે જેમાં એ સાબિત થાય છે કે તેને ભગવાન કૃષ્ણ પર અતિશય પ્રેમ છે.શ્રીકૃષ્ણના કહેવાથી તે સ્ત્રી બનીને છૂપાવેશે રહ્યો,સંન્યાસી બન્યો,સુભદ્રાહરણ કર્યું,શિખંડીને આગળ કરીને લડ્યો આવા અનેક એવા પ્રસંગો છે.આમાંનો એક પણ પ્રસંગ જો આપણા જીવનમાં ઉભો થાય તો આપણે પ્રભુને છોડી દઈએ.હદ તો ત્યારે થઇ કે ભીમ મર્યો ત્યારે યુધિષ્ઠિર કહે છે કે ભીમ મર્યો તેની પાછળ બલરામનો હાથ છે પરંતુ અર્જુન તું તેમના પર ક્રોધ ના કરીશ કારણકે તે કૃષ્ણના ભાઈ છે આને કહેવાય પ્રિયમાણાય.
વક્ષ્યામિ હિતકામ્યયા અર્જુન તમામ જીવોના પ્રતિનિધિ છે અને પોતાનું હીત પણ ઇચ્છે છે તેથી ભગવાન જીવમાત્રના હિતના ઉદ્દેશ્યથી પરમ વચન કહે છે.અહીં સાંભળનાર અને બોલનાર બન્નેને અરસ-પરસ આત્યંતિક પ્રેમ છે.અર્જુનની પૂર્ણ શરણાગતિ છે અને પ્રભુનો પૂર્ણ પ્રેમ છે તેથી જ તો પ્રભુ જાતે જ બોલવાની શરૂઆત કરે છે.આપણે જેને શરણે હોઈએ તેની જવાબદારી બને કે શરણાગતનું કલ્યાણ થાય તેથી પ્રભુ અર્જુનના હિતની કામનાથી આ અધ્યાય કહેવાની શરૂઆત કરે છે.જીવનું જેટલું હિત ભગવાન કરી શકે છે તેટલું બીજું કોઇપણ કરી શકતું નથી.
પરમ વચનના વિષયમાં જેને હું આગળ કહીશ.મારા સિવાય પુરેપુરૂં બતાવનાર અન્ય કોઇ મળી શકતું નથી એનું કારણ શું છે? તે સમજાવતાં ભગવાન ગીતા(૧૦/૨)માં કહે છે કે..
ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ
અહમાદિર્હિ દેવાનાં મહર્ષિણાં ચ સર્વશઃ
મારા પ્રગટ થવાને નથી દેવતાઓ કે મહર્ષિઓ જાણતા નથી કેમકે હું સર્વરીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું.
જો કે દેવતાઓનાં શરીર,બુદ્ધિ,લોક,સામગ્રી વગેરે બધું દિવ્ય છે તો પણ તેઓ મારા પ્રગટ થવાને જાણતા નથી.મહર્ષિઓએ અનેક ઋચાઓ,મંત્રો,વિદ્યાઓ અને વિલક્ષણ શક્તિઓને પ્રગટ કરેલ છે,જેઓ સંસારથી ઉંચા ઉઠ્યા છે,જેઓ દિવ્ય અનુભવથી યુક્ત છે,જેમને માટે કંઇ કરવાનું,જાણવાનું અને મેળવવાનું બાકી રહ્યું નથી એવા તત્વજ્ઞ જીવનમુક્ત મહર્ષિ લોકો પણ મારા પ્રગટ થવાને એટલે કે મારા અવતારોને, અનેક પ્રકારની લીલાઓને અને મારા મહત્વને પુરેપુરા જાણતા નથી કારણ કે હું દેવતાઓ અને મહર્ષિઓ નો આદિ છું.ભગવાન વિદ્યા,બુદ્ધિ,યોગ્યતા,સામર્થ્ય વગેરેથી જાણી શકાતા નથી પરંતુ જીજ્ઞાસુઓના શ્રદ્ધા-વિશ્વાસ અને ભગવદકૃપાથી જ જાણવામાં આવે છે.
પ્રભુએ અર્જુનને કહ્યું કે હું તને પ્રિય માનીને તારા હિત માટે કહું છું.તે હવે કહેવાની શરૂઆત કરે છે. મારા પ્રભવ(ઉત્પત્તિ)ને દેવો અને મહર્ષિઓ પણ જાણતા નથી.પ્રભુ અર્જુનને રાજવિદ્યાનું મહત્વ સમજાવે છે. સુરગણાઃ એટલે દેવોનો સમૂહ,પંડિતોનો સમૂહ.સુરગણાઃ એટલે સ્વર્ગમાં રહેલા એવો અર્થ અહીં નથી.દેવ શબ્દ દ્યુ ધાતુ પરથી આવેલો છે.દ્યુ-નો અર્થ છે પ્રકાશ,એટલે કે સુરગણાઃ એટલે જ્ઞાનેન્દ્રિયોનો સમૂહ.આંખ, નાક,જીભ,કાન,ત્વચા એમ પણ થાય.મહર્ષિ એટલે મહાન ઋષિઓ,સપ્તર્ષિઓ,જ્ઞાની બ્રાહ્મણ.ઋષ એટલે જાણવું.ઇન્દ્રિયો જેને જાણી શકતી નથી તે જાણવું.તેઓ દેવ-માણસ અને અસુરથી જુદા ગણાય છે.તેઓ વેદમંત્રના કર્તા અને દ્રષ્ટા કહેવાય છે.આવા ઋષિના ત્રણ પ્રકાર છેઃબ્રહ્મર્ષિ,રાજર્ષિ અને દેવર્ષિ.
પ્રશ્ન એ થાય કે શું દેવો અને મહર્ષિઓ જેઓ પ્રભુની નિકટ છે,પ્રભુની સતત આજ્ઞા પાળે છે,પ્રભુમય છે,તેઓ પણ ભગવાનને ન ઓળખે? જેઓ સતત અનન્યભાવે ચિંતન કરે છે,ભજે છે,તેઓ ભગવાનને ન જાણે? પ્રભુ અહીં શું દેવો અને મહર્ષિઓની મશ્કરી કરે છે? ના..પ્રભુ એવું કદી ન કરે.પ્રભુ અહી એમ કહેવા માંગે છે કે દેવો અને ઋષિઓ જે રીતે,જે દ્રષ્ટિથી મને સમજે છે,તે હું અહીં કહેવાનો નથી,તેના કરતાં જુદી જ રીતે હું કહેવાનો છું.દેવો અને મહર્ષિઓ પ્રયત્ન પૂર્વક પ્રભુને પ્રસન્ન કરે,પછી પ્રભુ પ્રગટ થાય અને કંઈ કહે તે જુદું અને પ્રભુ સ્વયં અર્જુનના કાંઈ પણ પૂછ્યા વગર ભાવાવેશમાં,પ્રેમાવેશમાં યત્તેऽહં પ્રિયમાણાય બોલવા લાગે તે જુદું હોય છે,તેમાં માતૃત્વની મમતા છે,પ્રિયતમનો પ્રેમ છે,પિતાની હૂંફ છે,મિત્રની સહૃદયતા છે.
જેમ એક જ વ્યક્તિ પુત્ર તરીકે,પિતા તરીકે,પતિ તરીકે,મિત્ર તરીકે,અધિકારી તરીકે,સહકર્મી તરીકે, જમાઈ તરીકે જુદો જુદો હોય,તે જ રીતે દેવો-મહર્ષિઓ અને અર્જુન સાથેના પ્રભુના પ્રેમ સંબંધમાં ફેર છે. પ્રભુ અર્જુનને તેની દિવ્ય સ્થિતિનું ભાન કરાવે છે.દેવો અને મહર્ષિઓ સાથેના સંબંધ કરતા પ્રભુનો અર્જુન સાથેનો અત્યારનો સંબંધ ઉચ્ચ કક્ષાનો છે.શ્રીકૃષ્ણ સ્વયં ભગવાન બનીને,પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપમાં, અતિશય પ્રેમથી અર્જુનને સ્વમુખે પોતાનું વિભૂતિ દર્શન કરાવવા જઈ રહ્યા છે.દેવોનું અને મહર્ષિઓનું આવું નસીબ ક્યાં? ઋષિઓ અને દેવો ધ્યાનમાં બેસે અને પ્રભુની મૂર્તિ મનઃચક્ષુ સમક્ષ લાવી પ્રભુ સાથે મિલન સાધે, ગુફ્તગુ કરે પરંતુ અર્જુન તો સગુણ સાકાર સ્વરૂપે,પોતાના સખા તરીકે,પ્રભુને સાક્ષાત્ નીરખે છે.પ્રશ્ન પૂછે છે,ઉત્તર પામે છે આશ્વાસનો મેળવે છે.પ્રભુ સ્વયં એના ઘોડા નવડાવે છે.અર્જુન અને પ્રભુનો સંબંધ જ અનન્ય છે.
દેવો પ્રભુને શાસક તરીકે જુએ છે.ઋષિઓ પ્રભુને નિર્ગુણ-નિરાકાર જુએ છે તેથી તેઓ પ્રભુના પ્રભવનો વિચાર જ નથી કરતા.પ્રભુનું પ્રગટ થવું એ દિવ્ય અને વિશિષ્ટ વાત છે.પ્રભુ આજે એમાં જે વિભૂતિદર્શન કરાવવાના છે એટલે કે પોતે ક્યાં ક્યાં સ્વરૂપે પ્રગટ છે તે દર્શાવવાના છે,તે સ્વમુખે પ્રથમવાર જ બોલવાના છે તે દેવો અને ઋષીઓ કેવી રીતે જાણે? પ્રભુનો અર્જુન ઉપરનો પ્રેમ કેવો ગજબનો છે તે અહીં અનુભવાય છે.પ્રભુ આ શ્ર્લોક દ્વારા અર્જુનને તેનો અનુભવ કરાવે છે.પ્રભુ અર્જુનને સચેત કરે છે કે આ ન ભૂતો ન ભવિષ્યતિની સ્થિતિ છે.તૂં તેમાં નિમિત્ત છે,એ તારૂં ભાગ્ય છે.મારા સ્વમુખે વિભૂતિદર્શન સાંભળવું અને મારી આપેલી દિવ્યદ્રષ્ટિથી જોવું આ અદભુત વાત છે.આ ઐતિહાસિક ક્ષણ છે.આ યુગો-યુગો સુધી માનવજાત યાદ કરશે અને તારા ભાગ્યની ઈર્ષ્યા કરશે.અર્જુન આપણો પ્રતિનિધિ છે.આ વિભૂતિદર્શન આપણાં માટે પણ છે.આપણે અર્જુનની નાની તો નાની પ્રતિકૃતિ બની શકીએ તો આપણે પણ આ પ્રેમધોધમાં તરબતર થાવાને પાત્ર બનીએ.
આલેખનઃવિનોદભાઇ માછી નિરંકારી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300