ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગનાં વિદ્યાર્થીઓએ ઉજવ્યો ફેરવેલ કાર્યક્રમ

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગનાં વિદ્યાર્થીઓએ ઉજવ્યો ફેરવેલ કાર્યક્રમ
“વિદાય તો છે પરંપરા, સંબંધ તો તૂટતો નથી, વિદ્યાર્થીઓ માટે હૃદય હંમેશા આશીર્વાદથી ભરેલું રહેશે-ભણતરના દિપકને નવી ઊંચાઈએ લઈ જાવ”, – પ્રો.(ડો.) અતુલ એચ. બાપોદરા
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલય જૂનાગઢનાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં વર્ષ ૨૦૨૩-૨૫નાં અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યુનિ. ભવનમાં અભ્યાસ પુર્ણ થતાં જુનિયર છાત્રોએ વિદયામાન આપવા કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને ઉદઘાટક યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાએ વિદાઇ રહેલ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે “વિદાય તો એક પરંપરા છે, જેથી ગુરૂશિષ્ય વચ્ચે સંબંધ અતુટ જ હોય છે.વિદ્યાર્થીઓ માટે હૃદય હંમેશા આશીર્વાદથી ભરેલું રહેશે.” “તમામ વિદ્યાર્થીઓ ભણતરના દિપકને નવી ઊંચાઈએ લઈ જાય, અમે તમારું ભવિષ્ય ઉજ્જવળ જોઈએ છીએ.” પ્રો. બાપોદરાએ વિદ્યાર્થીઓને બોધાત્મક શીખ આપતા જણાવ્યુ કે પ્રત્યેક વ્યક્તિનાં જીવનમાં ઉતાર-ચઢાવ આવશે જેનાથી અપરાધભાવ અને હતાશામાં ડૂબી ન જવુ, તેના બદલે તેનો ઉપયોગ પોતાને સુધારવા માટે શીખવાના સાધન તરીકે કરો. તમારી જાતને માફ કરો અને આગળ વધવા સાથે પોતાની નબળાઈઓને દૂર કરવાની અને પોતાની લાગણીઓને નિયંત્રિત કરવાની ક્ષમતા કેળવવી એ જીવનની વિકાસ કેડી છે.
આ પ્રસંગે કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં વિભાગીય વડા પ્રો.(ડો.) ભાવસિંહ ડોડીયાએ વર્ષ ૨૦૨૫નાં શિક્ષણસત્રની વિદાઇ લઇ રહેલ બેંચનાં વિદ્યાર્થીઓને જીવનમાં સદૈવ અગ્રેસર બની રહેવા અને પ્રગતિનાં સોપાનો હાંસલ કરવાની શુભકામનાં વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે તીર નિશાને ન લાગે તો તે રડતું નથી; તલવારનો વાર નિષ્ફળ જાય તો તલવાર રડતી નથી અને હથોડાનો પ્રહાર બરાબર ઠેકાણે ન પડે તો તે પણ રડતો નથી. એ બધાં તૂટે તોય આનંદમાં રહે અને ફેંકી દેવાય તોય આનંદમાં રહે.’ એટલે કે આપણે તો અભ્યાકાર્યના યંત્ર છીએ અને એ યંત્રને ચલાવનાર આપણી મહેનત છે. “તમારી પ્રતિભા અને મહેનતના દ્રષ્ટિકોણથી, નવી દિશાઓ તમારી રાહ જોઇ રહી છે.” “તમારા સપનાઓ માટે નવી દિશા લાવશે, તમારા શ્રમથી ભવિષ્યના માર્ગ ખૂલી જશે.
આ પ્રસંગે કોમર્સ વિભાગનાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. અનિતાબા ગોહીલે જણાવ્યુ હતુ કે “વિદાય એ નથી અંત, તે નવી શરૂઆત છે, તમારા શ્રમથી ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે.” ડો. દિનેશ ચાવડાએ જણાવ્યુ હતુ કે “તમારા કાર્ય અને મહેનતથી વિદાય તમારા માટે સફળતાનો સંકેત છે,
તમારા ભવિષ્યમાં સંખ્યાબંધ સફળતાઓ તમારી રાહ જોઇ રહી છે. ડો. વિનીત વર્માએ જણાવ્યુ હતુ કે “વિદાયનો આ દિવસ એ છે તમારું નવું આરંભ, તમારા માટે દરેક સપનો સિદ્ધિ પામે.” તમારું ભવિષ્ય હંમેશા તેજસ્વી થાય તમારા શ્રમથી વિશ્વ તમારી તરફ જોવા લાગશે.”
કાર્યક્રમનાં પ્રારંભે મહાનુભાવોએ દિપ પ્રજ્જવલન કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. જુનિયર વિદ્યાર્થીઓએ રીબન અનાવરણ કરી સિનીયર સહાધ્યાયીઓને કારકિર્દીની વિસ્તરતી ક્ષિતીજો તરફ પ્રયાણની મંગલકામનાં વ્યક્ત કરી હતી. યુનિ.ગાનથી સમગ્ર કાર્યક્રમ સંગીતમય બની રહ્યો હતો. કાર્યક્રમમાં ગોજીયા હિરલબેને ભરત નાટ્યમ, મેઘનાથી હેતલબેને શિવસ્તુતી, વરૂ સિમાબેન અને ગૃપે સાંસ્કૃતિક કૃતિ, અવસર પંડ્યાએ કાવ્ય પઠન, જુનિયર બહેનોએ રાજસ્થાની નૃત્ય, સિનયર ભાઇઓએ અભ્યાસકાળનાં સંસ્મરણો તાજા કર્યા હતા. મેર શિતલબેને તલવારબાજી, બાંભણીયા દીશાબેને બોધાત્મક વાત રજુ કરી હતી. વિદ્યાર્થીઓએ સમુહ ગરબા, પંજાબી નૃત્ય, લેજીનૃત્ય, સોલો ડાન્સ, વિડીયો પ્રેઝન્ટેશન, નાટક જેવી કૃતિઓ રજુ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન જોષી દિપાલી અને જલ્પા બાલસે કર્યુ હતુ.યુનિ.નાં રજીસ્ટ્રાર મયંક સોની, યુનિ. સ્ટાફ પરિવારે વિદાઇ લઇ રહેલ બેંચનાં વિદ્યાર્થીઓને શુભકામનાં પાઠવી હતી.વિદાય લઇ રહેલ તમામ છાત્રોએ ગુરૂજનોઅને સાથી વિદ્યાર્થી મિત્રો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરી ઋણાનુભાવ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300