ટીકટોક પર ટકટક કેટલી વ્યાજબી ?

ટીકટોક પર ટકટક કેટલી વ્યાજબી ?
Spread the love

આઈટમ સોંગના નામે બીભત્સતા ખરીદતો સમાજ કોઈ એક પોલીસ અધિકારીના વ્યક્તિગત વીડીયોનું નૈતિક અવલોકન કરે ત્યારે કઠે…


વર્ષો પહેલાં રાજા રજવાડા વખતે આનંદ પ્રમોદ માટે નૃત્યાંગનાઓના નાચગાન, ડાયરાઓમાં છંદ દુહાઓની રમઝટ ઊડતી , વિવિધ કલાકારોના કાર્યક્રમો દ્વારા દરબાર અને જનતા બન્નેનું મનોરંજન થતું. ઈન્દ્રના દરબારમાં પણ અપ્સરાઓના નૃત્ય થતાં હોવાની પૌરાણિક માન્યતા છે. ગામડાઓમાં મેળાઓ, રાત્રી નાટક મંડળીઓ, ભજન મંડળીઓ , રામાપીર અને ભેરવાના આખ્યાનો , ભવાઈઓ, તહેવારો ઉજવવા , તહેવાર સંલગ્ન મેળાઓ જેવા અનેક માધ્યમોથી લોકો પોતાના અંગત જીવનના પ્રશ્નો અને તનાવ દૂર કરતાં. એટલુંજ નહીં પણ સાથે સાથે ગામના જ યુવાનો અને ગ્રામજનો ભેગા મળી જાતે નાટકો ભજવતા અને ગ્રામજનોમાંથી સારા કલાકારો મળતા અને લોકો પોતાનામાં પડેલી સુષુપ્ત કલા શક્તિને આમ બહાર વ્યક્ત કરતા …સારા ગાયક હોય તો નવરાત્રિ અને શુભ પ્રસંગે લોકગીતો અને ભજનો ગાઈને પોતાની કલા માણતા અને જીવનનો આનંદ લૂંટતા. સારા સંગીત વાદકો પણ ગામડાના વાદ્યો વગાડીને મોજ માણતા. એ જમાનામાં પણ લોકો લગ્ન પ્રસંગે અને હસી ખુશીના પ્રસંગે ગરબા ગાતા અને નૃત્ય પણ કરતા …ટૂંકમાં મનુષ્ય માત્ર પોતાનો આનંદ વ્યક્ત કરવા જુદા જુદા માધ્યમો દ્વારા માંહ્યલો નિજાનંદ માણતા.

સમય જતાં આ કામ મહદઅંશે ફીલ્મોએ અને ટીવી સીરીયલોએ કર્યુ. પરંતુ ફીલ્મમાં કે ટીવી પોગ્રામમાં કામ મેળવવુ કે કરવું દરેક માટે સરળ નથી ત્યારે આધુનિક ટેક્નોલોજી અને સોશીયલ મીડીયાએ આ ખાઈ પુરવા સાથે લોકોની અંદરના શોખ કે આનંદ વ્યક્ત કરવાની તક આપી.

હવે આ માધ્યમોનો કેટલો ઉપયોગ અને કેટલો દુરપયોગ થાય છે તે વિવાદનો વિષય છે. હાલમાં જ ગુજરાતના એક મહીલા પોલીસ અધિકારી અને એક મહીલા કોન્સ્ટેબલનો ટીકટોક વીડીયો ચર્ચામાં છે. “પોલીસ પણ ટીકટોક ના રવાડે ” જેવા ટાઈટલ સાથે મીડીયાએ હંમેશની જેમ જજની ભુમિકા નિભાવવાનું ચાલુ કર્યું અને કથીત સમાજના ચિંતકોએ ખાટપંચાયતના મુખિયા થવાનો મોકો ઝડપી લીધો. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું પોલીસ એ માણસ નથી ? શું તેને એક સામાન્ય વ્યક્તિની જેમ પોતાની અંગત લાગણી કે શોખ વ્યક્ત કરવાનો અધિકાર નથી ? વાત માત્ર પોલીસની નહીં કોઈપણ પદ પર બેઠેલી કે ખ્યાતનામ વ્યક્તિ શું એક સહજ જીંદગી જીવવાનો અધિકાર ગુમાવી દે છે ? હા, એક વાત ચોક્કસ છે કે તેમાં શિસ્તભંગ કે નિયમ ભંગ થયો હોય તો તેની આલોચના ચોક્કસ થવી જ જોઈએ. ડ્યુટી પર કે સરકારી વર્દીમાં ખભે મેડલ કે સ્ટાર હોય અથવા તો એ ખાતાના સંસાધનો સાથે જો કોઈ વીડીયો બન્યો હોય તો તે નૈતિક અને ખાતાકીય બન્ને દ્રષ્ટિએ ખોટું જ ખોટું છે તેનો બચાવ હોઈ જ ના શકે પણ પોલીસની નોકરી કરતા લોકો એમાં પણ ખાસ કરીને મહીલા તેના કામકાજના કલાકો બાદ ઘરમાં શું કરે એ નક્કી કરનારા જ્યારે વાતને તાલીબાની દ્રષ્ટિએ જોવે ત્યારે ખટકે છે.

સપના ચૌધરી જેવી ડાન્સર તેના જાહેર નાચગાનથી નામના મેળવી રાજનીતિમાં આવે તો આ સભ્ય સમાજનું રૂંવાડુય ના ફરકે પણ કોઈ એક સામાન્ય યુવતી તેના કામથી દૂર બે મીનીટનો આનંદ લુટે તો તે પોલીસ હોવાના કારણે અપરાધી બની જાય. વિદેશનો કોઈ પ્રમુખ તેના પરિવાર સાથે નાચતો કુદતો કે રમત રમતો જોઈએ તો પોરસાઈએ કે કેટલો સરળ અને પારિવારિક છે પણ આજ કામ ભારતનો વડાપ્રધાન કરે તો ગીધની જેમ એનું વૈચારિક પોસ્ટમોર્ટમ કરવા બેસી જઈએ. આપણને દરેક વાતને નકારાત્મકતાથી જોવાનું જાણે વ્યસન થઈ ગયું છે. ટીકીટ ખરીદી કબીરસિંહ જેવી ફીલ્મની બીભત્સતા ખરીદતો સમાજ એક વ્યક્તિના અગંત જીવન પર નિયંત્રણ કરવાની પ્રવૃત્તિનો હીસ્સો બને અને મુદ્દો ચગે એટલે સરકારી દબાણ જે તે વ્યક્તિની નોકરી છીનવી લે. એક સત્ય હકીકત એવી પણ છે કે માણસની અંદર જેમ હકારાત્મક શક્તિઓ પડેલી હોય છે એમ નકારાત્મકતા પણ ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે જેને Negetive instict પણ કહીએ છીએ..આ તમારી આંતરિક વૃત્તિ તમને કળ વળવા દેતી નથી અને એટલે યુવાધન પણ પોર્ન સાહિત્ય ના રવાડે ચડે છે.. કુદરતે પણ એવી રચના કરેલ છે કે વધતી ઉંમરે કામ શક્તિ ક્ષીણ થતી જોવા મળે પણ કામેચ્છા સહેજ પણ ઘટાડી નથી એટલે ૧૭ થી ૭૧ સુધી તમામને શાંતિથી બેસવા જ ન દે એટલે ખાનગીમાં આ વૃત્તિ ઉથલો મારે જ અને એટલે પોર્નનો પણ વેપલો ભરપૂર ચાલે…

વચ્ચે એક ” ડબ્બુ અંકલ ” સુંદર નૃત્ય કરતા ટીવી પર ચમક્યા હતા અને એ એટલા બધા ચાલ્યા કે તે તો છેક અમિતાભ બચ્ચનના ખ્યાતનામ ” કોન બનેગા કરોડપતિ ” કાર્યક્રમ સુધી પહોંચી ગયા હતા અને એમને આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ફળ્યું.. એટલે આ બધા વિડિઓને સોશિયલ મીડિયા તારે પણ છે અને મારે પણ છે. તનાવમુક્ત થવા મોજમાં રહેવાની શું આવી સજા હોઈ શકે? પછી કવિ તખતદાન ગઢવીના ” મોજ માં રેવું …મોજમાં રેવું …ગીતનો મતલબ શું ??

ખરેખર તો પોલીસ ખાતુ કે અન્ય તમામ એવા ખાતા જેમા કામના કલાકો અનિયમિત હોય, કામનું દબાણ હોય, કામનો પ્રકાર તનાવપૂર્ણ હોય ત્યાં આવા મનોરંજન કાર્યક્રમો ખુદ સરકારે કે જે તે સંસ્થાએ આયોજીત કરવા જોઈએ. ટેલેન્ટ બહાર આવવાની સાથે સાથે તેઓ તનાવમુક્ત થઈ શકે. નિખાલસતા અને નકારાત્મકતા વચ્ચેની લકીર ભુંસવી પડશે તો જ સરળતા પેદા થશે. મોબાઈલ એપ્લિકેશનનો દુરપયોગ નથી થતો તે વાત હકીકતથી જોજનો દૂર છે પણ એ મોબાઈલ સ્ક્રીનના સડકછાપો સાથે કોઈ એક નિર્દોષતાને પણ બલી ચઢાવી દેવી તે ન્યાયપુર્ણ નથી. લશ્કરના સૈનિકોના ગરબા રમતા, ગીતો ગાતા , ભાંગડા કરતા કે અભિનય કરતા અનેક વીડીયો આપણે જોયા છે અને તે પણ વર્દીમા. આખા દીવસના સતત કામના માનસિક અને શારીરિક થાક પછી બીજા દીવસ માટે મનને સ્વસ્થ કરવા આ સેનામાં સહજ છે તો પોલીસ હોવાની વાતને અલગ દ્રષ્ટિએ કેમ જોવું જોઈએ. કેટલાક મતિમંદો એવી દલીલ કરતા દેખાયા કે પોલીસ જ આ રવાડે ચડશે તો લોકોમાં શું સંદેશ જશે ?

અરે ભાઈ એકબાજુ પોલીસનો ભય લોકોમાં કેમ એવી દલીલ કરીએ અને બીજી તરફ પોલીસ પણ મારા તમારા જેવી સામાન્ય વ્યક્તિ છે એવો સંદેશ આવા વીડીયોથી જતો હોય ત્યારે તેનો વિરોધ કરીએ તો આ બેવડુ વલણ કેમ? હા, એક પોલીસ અધિકારી પોલીસની જાળી વાળી જીપના બોનેટ પર બેસીને પોલીસ વર્દીમાં રેબનના ગોગલ્સ પહેરી” સિંઘમ ” ની અદાથી પોતાનો વિડિઓ મૂકે એ પણ બરાબર નહીં.. નોકરી અને ખાખી વર્દી એ તમારે વ્યક્તિગત રોફ મારવા માટે નથી ભાઈ પરંતુ જનતાને સુરક્ષિત મહેસુસ કરાવવા માટે છે કે પોલીસ તમારી સેવામાં છે. થોડા સમય પહેલા એક સિનિયર ડીજીપી કક્ષાના આઇપીએસ અધિકારી પાંડા કૃષ્ણમય થઇ ગયા હતા અને પોતે જ સ્ત્રીના કપડાં પહેરી રાધા બની જતા અને નૃત્ય કરતા નજરે પડતા.. કેટલાક લોકોના નબળા માનસપટ પર કોઈ વાત વધુ હાવી થઇ જાય તો આ સ્થિતિમાં આવી જાય છે..પણ જાહેર માધ્યમો દ્વારા ગાંડપણ વ્યક્ત થાય તો ઘણી વાર જાહેર ઔચિત્યનો ભંગ પણ થાય છે..

મર્યાદામાં રહીને સમાજ કે દેશનું અહીત ના કરતો નિજાનંદ કોઈની પણ મંજુરી નો મોહતાજ નથી. કોણે શું કરવુ કેમ કરવુ અને ક્યારે કરવુ એ નક્કી કરતા અગાઉ આપણને આ ઠેકો કોણે આપ્યો છે એ વિચારી લેવું જોઈએ. બળાત્કારીઓ અને હત્યારાઓને સંસદમાં મોકલતો એક બહોળો વર્ગ ટીકટોક પર ટકટક કરે તે કેટલું વ્યાજબી ?

જયરાજસિંહ પરમાર
#દીવાદાંડી

Admin

Admin

9909969099
Right Click Disabled!