સની દિલ્હીના છોકરાનો મોબાઈલ નંબર બોલી, ૩ દિવસમાં ૪૦૦થી વધુ ફોન આવ્યા

મુંબઈ,
દિલ્હીના મૌર્યા એન્કલેવમાં રહેતો છોકરો છેલ્લા ત્રણ દિવસથી પરેશાન છે. તેની મુશ્કેલીનું કારણ છે સની લિયોની. લોકો તેને સની લિયોની સાથે વાત કરવા માટે દિવસ-રાત ફોન કરે છે. ત્રણ દિવસમાં દેશ-વિદેશથી ૪૦૦ જેટલા લોકો તેને ફોન કરી ચૂક્્યા છે. આનાથી પરેશાન થઈને યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. દિલ્હીનો આ ૨૭ વર્ષીય યુવક પુનિત અગ્રવાલ એક પ્રાઇવેટ કંપનીમાં જાબ કરે છે.
પુનિતે જણાવ્યું કે, ‘શુક્રવારે સની લિયોનીની ફિલ્મ ‘અર્જુન પટિયાલા’ રિલીઝ થઇ. ફિલ્મના એક સીનમાં તે કો-એક્ટર વરુણ શર્માને પોતાનો મોબાઈલ નંબર આપે છે, જે મારો નંબર છે. શુક્રવારથી જ લોકો મને સની લિયોની સાથે વાત કરવા માટે કોલ કરી રહ્યા છે. આટલું જ નહીં અમુક લોકો તો વ્હોટ્સએપ પર પણ મેસેજ કરી રહ્યા છે. અમુક તો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. હું આ બધાથી હેરાન થઇ ગયો છું.’
યુવકે જણાવ્યું કે, તેનું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન નથી અને તે કોઈને પર્સનલી જાણતો પણ નથી. ફિલ્મ મેકર્સે તેના મોબાઈલ નંબરનો ઉપયોગ તેની પરવાનગી વગર કર્યો છે. પુનિત આ કોલ્સથી ખૂબ જ હેરાન થઇ ગયો છું. હવે તે આ મામલો કોર્ટમાં લઈ જવાનો છે. તેણે વકીલનો પણ સંપર્ક કરી લીધો છે. તે ફોન કોલ્સમાં થનારી વાતચીતને રેકોર્ડ પણ કરી રહ્યો છે જેથી સમય પડ્યે તેને સાબિતી રૂપે રજૂ કરી શકાય.