ચાણસ્માના રણાસણ ગામે શ્રી જોગણી માતાના મંદિરમાં ચોરી

અપુર્વ રાવળ, મહેસાણા
ચાણસ્મા તાલુકાના રણાસર ગામે મંગળવારે મોડી રાત્રે જોગણી માતાના મંદિરેથી શખ્સો અાશરે રૂ. 12000 અાસપાસ રોકડ ભરેલી આખી દાનપેટી ચોરી ગયા હતા.બુધવારે વહેલી સવારે પૂજારી જયંતીભાઈ આચાર્ય પૂજા કરવા જતાં મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડેલું હોઇ ચોરી થયાનું જણાતાં ગામમાં જાણ કરી હતી. મંદિરના ટ્રસ્ટી અને રણાસરના પૂર્વ સરપંચ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે જોગણી માતાજીના મંદિરમાં અાઠ વર્ષમાં ત્રીજી વખત ચોરી થયેલ છે. પ્રથમ વખત 2011 આસપાસ વીસ હજારના દાગીના ગયા હતા. બીજી વાર 2015માં પણ અાશરે રૂ.૨૫ હજારના દાગીના ચોરાયા હતા જ્યારે અા વખતે ત્રીજી વારની ચોરીમાં અંદાજે રૂ.12000 રોકડ પરચુરણ ઉઠાવી ગયા હોવાનું અનુમાન છે. આ દાનપેટી દર છ માસે ખોલવામાં આવે છે .ગત માર્ચ મહિનામાં ખોલવામાં આવી હતી અને અાગામી બે -ત્રણ દિવસમાં જ ફરીથી ખોલવાની હતી તે પહેલાં આ ચોરીની ઘટના બનવા પામી છે.પીએસઆઇ પઠાણે જણાવ્યું હતું કે તસ્કરો મંદિરના ગર્ભગૃહ બહાર જે દાનપેટી રાખવામાં આવી હતી તે ઉઠાવી ગયા છે. મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડવામાં આવ્યો નથી.