કૈલાસ ગુરુકુળ, મહુવામાં યોજાશે – તુલસી જન્મોત્સવ – ૨૦૧૯

પૂજ્ય બાપુની નિશ્રામાં ૫૦૮ મા તુલસી જન્મોત્સવ નિમિત્તે તારીખ ૩ થી ૭ ઓગષ્ટ દરમ્યાન “તુલસી જયંતિ” ની ઉજવણી થશે.
બાપુ દ્વારા ‘અસ્મિતાપર્વ’ થી આરંભાયેલી વિદ્વજનોની ભાવવંદનાનો વ્યાપ વધતા, બીજા અનેક પ્રકલ્પો શરુ થયા. બાપુ વ્યાસપીઠ સિવાય પણ વ્યાપક રૂપે સમાજના સામાજિક-સાંસ્કૃતિક વારસાને જાળવવા,સાચવવા,સંવર્ધિત કરવા જે તે ક્ષેત્રના શિખરે પહોંચેલ વિદ્વજન કે કલાધરને સન્માનિત કરે છે. આવા અનેક પ્રકલ્પો પૈકીનો એક છે – ‘તુલસી એવોર્ડ’. તુલસીદાસજીના જન્મોત્સવ પર શ્રાવણ સુદ સપ્તમી તિથિ એ ‘તુલસી એવોર્ડ’ અર્પણ થાય છે. માનસ-કથા અને તુલસી સાહિત્ય પર વક્તવ્ય,ગાન,અધ્યયન,અધ્યાપન, સંશોધન, લેખન માટે જેમણે જીવન સમર્પીત કર્યું હોય એવા વિદ્યમાન સંત-સાધુ,કથાકાર,અધ્યાપક,લેખક કે વક્તાને આ એવોર્ડ અપાય છે. ઉપરાંત તુલસી-સાહિત્યને કેન્દ્રમાં રાખીને કામ કરતી સંસ્થાઓ,આશ્રમો કે પ્રકાશન-ગૃહોના પ્રદાનને પણ આ એવોર્ડ માટે વિચારણામાં લેવાય છે. ૨૦૦૮માં પૂજ્ય બાપુની પ્રેરણા અને પ્રોત્સાહનથી ઉત્તરભારતના રામ- કથાના ગાયકો અને તુલસી સાહિત્યના વિદ્વાનોને ચિત્રકૂટધામમાં સંગોષ્ઠી માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ દરમ્યાન એક કથાકારે – “રાષ્ટ્રમાં ધર્મ,સંસ્કૃતિ અને સંસ્કારના જતન માટે કથા ક્ષેત્રે સમર્પીત અને સમાજના આવા જાગૃત પ્રહરીઓને પ્રોત્સાહિત કરવા સરકાર કે સંસ્થાઓ કશું વિચારતી નથી” – એવી વ્યથા વ્યક્ત કરી. જેના પ્રત્યુત્તરમાં બાપુએ ૨૦૦૯થી તુલસી જન્મોત્સવના દિવસે તુલસીદાસજીની ભાવવંદના સાથે તુલસી સાહિત્યના આવા ઉપાસકોને ‘તુલસી એવોર્ડ’ દ્વારા સન્માનિત કરવાની ઘોષણા કરી.
વર્ષ ૨૦૦૯માં આ ક્ષેત્રે જેણે આજીવન સાધના-સ્વાધ્યાય કરેલ એવા ૪૦ દિવગંત મહાનુભાવોની વંદના માટે તેમના પરિવાર કે પ્રતિનિધિને વંદનાપત્ર અને પુરસ્કાર રાશિ અર્પણ કરવામાં આવ્યા. વર્ષ ૨૦૧૦ના ‘તુલસી – જન્મોત્સવ’ થી આ ક્ષેત્રના ખ્યાતી-પ્રાપ્ય, વિદ્યમાન એવા પાંચ વિદ્યાધરોને તુલસી એવોર્ડ અર્પણ કરી , તેમની ભાવ વંદના કરવામાં આવી. વર્ષ ૨૦૧૫ થી પાંચના સ્થાને તુલસી એવોર્ડની સંખ્યા ત્રણ કરવામાં આવી, અને વાલ્મિકી એવોર્ડ તેમજ ‘વ્યાસ એવોર્ડ’ અર્પણ કરવાનો પ્રારંભ થયો. આદિ કવિ વાલ્મિકી, રામાયણના આદિ-અધિષ્ઠાતા છે.આવા મહાકવિના કાવ્ય-આશિષને જીવંત રાખવા જે વિદ્વાને સ્વાધ્યાય, સંસ્કાર, સંશોધન અને સંવર્ધન માટે જીવન અર્પણ કર્યું છે,તેવા વિદ્યાધરનું સન્માન પણ થવું જોઈએ એવાં સ્વીકાર સાથે પૂજ્ય બાપુ દ્વારા વાલ્મિકી એવોર્ડ આપવાનો પ્રારંભ થયો. એ જ રીતે મહાભારતના સર્જક મહર્ષિ વેદવ્યાસનું ભારતિય સનાતન સંસ્કૃતિમાં અનુપમ સ્થાન છે. વ્યાસજીના પ્રદાનને આદર આપવા કોઈપણ કથાકારને ‘વ્યાસ’ કહેવાય છે. બાપુ દ્વારા મહર્ષિ વેદવ્યાસના સ્મરણ- વંદના માટે ૨૦૧૫થી ‘વ્યાસ એવોર્ડ’ અપાય છે. જેમણે આજીવન મહાભારત, ભાગવત,પુરાણ કે અન્ય વ્યાસગ્રંથોનું પરિશીલન કર્યું હોય તેવા વિદ્યમાન વિદ્યાધરને આ એવોર્ડ્ અર્પણ કરવામાં આવે છે.
તુલસી-મહોત્સવનું આ અગિયારમું વર્ષ છે. એ રીતે આ વર્ષે અગિયારમો તુલસી એવોર્ડ, પાંચમો વાલ્મિકી એવોર્ડ અને પાંચમો વ્યાસ એવોર્ડ અપાશે
બાપુ દ્વારા પ્રતિ વર્ષ વિશિષ્ટ રીતે ઉજવાતાં ‘તુલસી જયંતિ’ના આ પર્વ નિમિત્તે તારીખ 3 ઓગસ્ટ શનિવાર સાંજના ચાર વાગ્યાથી કાર્યક્રમનો પ્રારંભ થશે. તુલસી સાહિત્ય પરની પ્રથમ સંગોષ્ઠીથી આરંભાયેલ આ કાર્યક્રમનું સ્થળ ‘કૈલાસ ગુરુકુળ-જગદગુરુ આદ્ય શંકરાચાર્ય સંવાદખંડ રહેશે. પછી તારીખ ૪-૫-૬ દરમ્યાન સવારે ૩/૩૦ થી ૧૨/૩૦ અને સાંજના ૪ થી ૭ કલાકે આ જ સ્થાન પર સંગોષ્ઠિઓ યોજાશે.જેમાં ઉત્તર ભારતથી ખાસ પધારેલા વિદ્વાનોના વક્તવ્યોનો લાભ મળશે. તારીખ ૬ ના રોજ પુરસ્કૃત વિદ્વાનોના વ્યાખ્યાનો રહેશે. તારીખ ૭ ના રોજ સવારે, ચિત્રકુટધામ- તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુના પાવન હસ્તે એવોર્ડ અર્પણ વિધિ અરંભાશે. અયોધ્યાના પૂજ્ય જગદગુરુ રામાનુજાચાર્ય સ્વામી વાસુદેવ આચાર્ય મહારાજ વિદ્યા ભાસ્કર સ્વામીજીને વાલ્મિકી એવોર્ડ અને પૂજ્ય સ્વામી ગોવિંદહરિજી મહારાજ (હરિદ્વાર- પુના)ને વ્યાસ એવોર્ડ અપાશે.જ્યારે ત્રણ તુલસી એવોર્ડ પ્રાપ્ત કરનારા વંદનીય મહાનુભાવોમાં પ્રથમ છે- પૂજ્ય મહામંડલેશ્વર મા કનકેશ્વરીદેવીજી ( મોરબી). બીજા છે-પૂજ્ય સ્વામી શ્રી મૈથિલીશરણજી (ઋષિકેશ-ચિત્રકૂટ) તેમજ પંડિત શિવાનંદજી મિશ્ર ‘સરસ’- (વારાણસી) . પ્રત્યેક એવોર્ડ વિજેતાને સૂત્રમાલા, વંદના-પત્ર તેમજ રૂપિયા સવા લાખની ધન રાશિ સાથે સન્માનિત કરાશે. વિશ્વના ૧૭૦ દેશોના શ્રોતાઓ-દર્શકો ટીવીના માધ્યમથી આસ્થા ચેનલ પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે.