બધુ હાંસલ કરી લીધું છે, હવે જે કંઈ મેળવીશ એ બોનસઃ સાનિયા મિર્ઝા

ન્યુ દિલ્હી,
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે પોતે પોતાની તેજસ્વી કારકિર્દીમાં બધુ હાંસલ કરી લીધું છે અને બીજા તબક્કામાં હવે તેણે કાંઈ પુરવાર કરવાનું રહેતું નથી, કે જેનો તે જાન્યુઆરી ૨૦૨૦થી પ્રારંભ કરનાર છે.
સંતાનના જન્મ પછીના બે વર્ષ બાદ ટેનિસ સ્પર્ધાઓમાં પુનઃપ્રવેશ કરવાની પોતાની મહત્વાકાંક્ષામાં ૩૨ વર્ષની સાનિયા હાલ દરરોજ લગભગ ચાર કલાક ટ્રેનિંગ કરી રહી છે અને તેનું ૨૬ કિલો વજન ઓછું થઈ ગયું છે. કુટુંબમાં પ્રવેશ કરવા ટેનિસ સર્કિટમાંથી વિશ્રામ લેવા પૂર્વે સાનિયાએ છ ડબલ્સના ગ્રાન્ડ સ્લેમ વિજેતાપદ જીત્યા હતા જેમાં ત્રણ મિશ્ર ડબલ્સનો પણ સમાવેશ છે અને ટોચનો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તથા અન્ય કેટલી સ્પર્ધા અને મૅડલ જીત્યા હતા. “મેં મારી કારકિર્દીમાં ઈચ્છા મુજબ બધું મેળવી લીધું છે અને હવે પછી જે કાંઈ બનશે તે મારું બોનસ ગણાશે, એમ સાનિયાએ આ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.