સજાપુર-ટીટીસર ગામે 3 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા ખેતી પાકને ભારે નુકસાન : ખેતરો તળાવોમાં ફેરવાયાં

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં ભાદરવાની પૂર્વ સંધ્યાએ મોડાસા તાલુકામાં ભારે વરસાદને પગલે સર્વત્ર જળબંબાકાર થતા અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદે કેટલાયે ગામોને જોડતા માર્ગ બંધ થયા છે,કોઝવે ઉપર થઇ પાણી વહેતા ગામોનો સંપર્ક કપાયા પછી બીજે દિવસે પૂર્વવત થયો હતો.
દરમિયાન મોડાસાના સરડોઈ-લાલપુર-દઘાલીયા પંથકમાં અતિ ભારે વરસાદે ડુંગરના પાણી ગામોમાં વહેતા નદી જેવા દૃશ્યો સર્જાયાં હતા. સરપંચ જેસિંગભાઈ પટેલે જણાવ્યું કે સરડોઈ પંથકમાં સરડોઈ ઉપરાંત સજાપુર-ટીટીસરમાં 3 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા ખેતી પાકને ભારે નુકસાન થયું છે અને જમીનોમાં કોતરો સર્જાયાં છે.ખેતરોના માટીના પાળા પણ તૂટી ગયા છે.એક સાથે ભારે વરસાદે સજાપુર-ટીટીસરની સાવ રેતાળ જમીનોમાં કોતરો પડી ગયા છે.વાવેતર પણ તણાયા છે.
ઉગેલા પાકનો સોથ વળી ગયો છે અગર ખેંચાઈ ગયો છે. આ જમીન એક સાથે એટલો વરસાદ ખમી શકતી ન હોઈ ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓએ સર્વે કરીને ખેતી,જમીન અને પાકને થયેલ નુકસાનનો અંદાજ મેળવીને વળતર ચૂંકવવા તેમજ પાક નિષફળ હોઈ પાક વીમો ચૂંકવવા જરુરી કાર્યવાહી કરવા સરપંચ જેસિંગભાઈ પટેલે ઉગ્ર માંગ ઉઠાવી છે.આટલું જ નહીં પણ ગામનો મુખ્ય રોડ પણ ધોવાઈને તૂટી જવા પામ્યો છે.જેનાથી વાહનવ્યવહાર અટકી ગયો છે.