અંબાજી ભાદરવી પૂનમને અનુલક્ષી કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ

અમિત પટેલ, અબાજી
બેઠક બાદ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અંબાજી મુકામે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં મિડીયાને માહિતી આપતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ૨૮ થી ૩૦ લાખ યાત્રિકો આવવાની સંભાવના છે તેને ધ્યાનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તે પ્રમાણે આયોજન કરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી છે.
તેમણે કહ્યું કે, ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષસ્થાને સલામતિ અને કાયદો-વ્યવસ્થા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યસ્થાને આરોગ્ય સમિતિ સહિત જિલ્લા કક્ષાના સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં જુદી જુદી કામગીરીને અનુલક્ષી ૨૪ જેટલી સમિતિઓ બનાવી તે પ્રમાણે કામગીરીની વહેંચણી કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્વચ્છતા, સુરક્ષા, પીવાનું પાણી, આરોગ્ય, વીજ સુવિધા, પાર્કિગ વ્યવસ્થા, વિસામા કેન્દ્રો, ટ્રાફિક નિયમન, રખડતા ઢોરોનું નિયંત્રણ, ફાયર ફાઇટર, ખાધ પદાર્થોની ચકાસણી, હોટલ અને ગેસ્ટહાઉસ ધર્મશાળા તપાસણી, ૧૨૧ સીસીટીવી કેમેરા, એલ.ઇ.ડી., પોલીસ કંટ્રોલ રૂમ સહિત યાત્રિકોની સુવિધા માટે ઝીણામાં ઝીણી બાબતો પર ભાર મુકી માઇક્રોપ્લાએનીંગ કરી કામગીરી કરવાનું આયોજન કરાયું છે તેમ તેમણે મિડીયાને જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજ્યાન, નાયબ વન સંરક્ષકશ્રી ર્ડા. અંશુમાન, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, વહીવટદારશ્રી એસ.જે.ચાવડા, નાયબ માહિતી નિયામકશ્રી ડી.પી.રાજપૂત સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.