મુખ્યમંત્રીએ અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રીએ અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવ્યો
Spread the love

પાલનપુર
મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ કરાવતા અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના કેટલાક નવતર પહેલ રૂપ યાત્રી સુવિધા કાર્યોનો પણ આરંભ કરાવ્યો હતો. તેમણે અંબાજી માતાના દર્શન વિશ્વભરના માઇભક્તો લાઈવ જોઈ શકે અને મેળો માણી શકે તે હેતુસર લાઈવ વેબ કાસ્ટીંગ, અંબાજી દર્શને આવનારા યાત્રિકોને અંબાજીની માહિતી મળી રહે તે માટે ઓટોમેટેડ એસ.એમ.એસ. હેલ્પલાઇન સીસ્ટમ, મેળામાં ખોવાયેલા બાળકો તેમના માતા પિતા કે વાલીને સરળતાથી પાછા મળી જાય તે માટે અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને RFID કાર્ડ વિતરણ અને ચાઈલ્ડ મિસિંગ હેલ્પ લાઈનનો તેમજ વૃદ્ધ દિવ્યાંગ અશક્ત લોકો માટે મેળા દરમ્યાન વિનામૂલ્યે બસ સેવાનો પણ આરંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ માઇભક્તોને શુભેચ્છાઓ પાઠવી તેમની ભક્તિને બિરદાવતાં જણાવ્યું કે, આરાધના, ઉપાસના, ભક્તિ, શ્રધ્ધા અને તપથી માણસને જીવનની સાચી દિશા મળે છે. અંબાજી તીર્થસ્થાન સદીઓથી માઇભક્તોની શ્રધ્ધા અને ભક્તિનું પરમ પવિત્ર યાત્રાધામ રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સુખી-સમૃધ્ધ, સલામત અને શક્તિશાળી બને તેવી માતાજીને પ્રાર્થના કરી મનોકામના વ્યક્ત કરી હોવાનું જણાવ્યું હતું.
શ્રી અંબાજી મંદિરમાં ચઢાવવામાં આવતા નારીયેળ, ગુલાબ, ફુલો, ચુંદડી, અગરબત્તી, ધજાઓ વગેરેમાંથી પડતા વેસ્ટમાંથી અનેકવિધ વેલ્યુએડેડ ચીજવસ્તુઓ બનાવી વેચાણ અર્થે મુકી શકાય તેમજ ચુંદડીમાંથી ફાઇલ, ફોલ્ડર, બેગ, બાસ્કેટ, કેપ, બેલ્ટ, તોરણ, ચકડા, ગીફ્ટ જેવી આર્ટીકલ વસ્તુઓ તથા માતાજીને ચઢાવવામાં આવતા શ્રીફળમાંથી લાડુ બનાવી કુપોષિત બાળકોને આપવાનો ઉપરાંત શ્રીફળની છાલમાંથી ગણેશજીની મૂર્તિ અને પેપર બેગ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જેના થકી વનવાસી બહેનોને આર્થિક ઉપાર્જન થશે.

અંબાજી મેળામાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પોતાના માતા-પિતાથી વિખુટા પડેલા બાળકો માટે માતૃમિલન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૨૪ કલાક ટોલ ફ્રી નં. ૧૦૯૮ શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરી વિખુટા પડેલા બાળકોની ભાળ મેળવી શકાશે. વોડાફોન સર્વિસ દ્વારા વિશેષ ચાઇલ્ડ મીસીંગ હેલ્પલાઇન કંટ્રોલ રૂમ કાર્યાન્વિત કરાતાં આધુનિક ટેકનોલોજીયુક્ત કાર્ડ બાળકના ગળામાં પહેરાવી અને બાળકના માતા-પિતા અથવા વાલીના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. RFID કાર્ડ પહેરેલું બાળક મળી આવે ત્યારે સ્કેનરવાળા કોઇપણ સેન્ટર પર જે તે બાળકને સ્વયંસેવકો, પોલીસ કર્મચારીઓ, વોલેન્ટીયર્સ અથવા જે વ્યક્તિને બાળક મળી આવે તે વ્યક્તિ બાળકને કંટ્રોલરૂમમાં પહોંચાડશે. અને તેમના વાલીઓ સુધી ઓટોમેટેડ એસ.એમ.એસ.થી જાણ કરાશે. વાલીઓ પોતાના બાળકની ઓળખ આપી પોતાના વિખુટા પડેલા બાળકને સ્વગૃહે પરત લઇ શકશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબહેન રૂપાણી, સાંસદશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી અને શ્રી કેશાજી ચૌહાણ, કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજ્યાન, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, વહીવટદારશ્રી એસ.જે.ચાવડા, દાંતા પ્રાંત અધિકારી શ્રીમતી કુસુમબેન પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!