વાગરા તાલુકા કક્ષાનો કલાઉત્સવ યોજાયો

મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાજય સરકારશ્રી ધ્વારા વિધાર્થીઓ વિવિધ કૌશલ્યો જેવા કે ચિત્ર,કલા,કાવ્ય લેખન, નિબંધ લેખન અને વકતૃત્વને આધારે તેમનામાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરુ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિધાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જીસીઇઆરટી – ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભરૂચ અને બીઆરસી ભવન, વાગરા આયોજીત વાગરા તાલુકાનો કલાઉત્સવ- ૨૦૧૯-૨૦ બીઆરસી ભવન, વાગરા ખાતે આજ રોજ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના બાળકોએ કલાઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, કાવ્ય લેખન તેમજ વકતૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધામાં ભાગ લીધેલ. જેમાં કુલ ચાર વિભાગમાં ર૪ શિક્ષકશ્રીઓ તેમજ ર૪ બાળકો હાજર રહયા હતા. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમક્રમે આવનાર વિધાર્થીઓને રૂા. ૫૦૦/-, બીજા ક્રમે રૂા.૩૦૦/- અને તૃતીય ક્રમે રૂા.૨૦૦/- નું ઇનામ તેમજ પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
બી.આર.સી કો.ઓડીનેટરશ્રી ખ્યાતિબેન મહેતા તેમજ વાગરા તાલુકામાં સમાવિષ્ટ તમામ સીઆરસી/બીઆરસી કો.ઓડીનેટરના સંનિષ્ઠ પ્રયાસો અને આયોજન થકી કલાઉત્સવને સફળ બનાવવા ખંતપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. આ કલાઉત્સવ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા માટે મહેમાનશ્રી, નિર્ણાયકો તેમજ વાલીગણ હાજર રહેલ હતા. એમ બીઆરસી કો.ઓડીનેટરશ્રી ખ્યાતિબેન મહેતાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.