વાવોલની શાલિન-4 એપાર્ટમેન્ટની વેશભૂષામાં મુખ્યમંત્રીની ગાર્ડ સાથે “એન્ટ્રી”…!!

વાવોલની શાલિન-૪માં દર વર્ષે નવરાત્રીમાં સાતમે વેશભૂષા યોજવામાં આવે છે : તારક મેહતાની ટીમ અને શિરડી સાઈબાબા જેવા પાત્રો રહીશોએ ભજવ્યા
ગાંધીનગરમાં આધ્યશક્તિ મા જગદંબાની ઉપાસનાના પર્વમાં શ્રધ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. ચૌરે ને ચૌટે સૌ કોઈ માતાજીના ગરબા રમતા અને રાસે ઘૂમતા જોવા મળે છે. આ ઉત્સાહમાં પાર્ટી પ્લોટના ભવ્ય આયોજનો સાથે શેરી ગરબા પણ અવનવા આકર્ષણો ઉમેરી તેમનું માત્ર અસ્તિત્વ જ ટકાવી નથી રહ્યા બલ્કે સામાન્ય અને મધ્યમ વર્ગને નવરાત્રી માણવાનો સારો વિકલ્પ પણ પૂરો પાડી રહ્યા છે. આ અંતર્ગત જ વાવોલમાં નવ વિકસિત સોસાયટી વિસ્તારમાં વિકસિત શાલી-૪ એપાર્ટમેન્ટમાં દરવર્ષે નવરાત્રિની સાતમે “વેશભૂષા” યોજવામાં આવે છે અને આ કાર્યક્રમમાં સોસાયટીના અબાલવૃધ્ધ સૌ કોઈ રહીશો ખુબજ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. ગઈ કાલે યોજાયેલી વેશભૂષામાં બાળકો સાથે અન્ય રહીશો મળીને આશરે ૭૦થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. ગાંધીનગરના વાવોલમાં શાલિન-૪માં યોજાયેલ વેશભૂષામાં ભાગ લેનારા બાળકો અને રહીશોએ રાજ્યના મુખ્યમંત્રી પોતાના સિક્યુરિટી ગાર્ડ સાથે આવ્યા હોય તેવા પાત્રોથી માંડીને શિરડીના સાઈબાબા, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા જેવી લોકપ્રિય ટીવી સિરિયલના તમામ પાત્રો, નરેન્દ્ર મોદી, શિક્ષક, રેપ સ્ટાર, ખેડૂત, પોલીસ, બડેમિયા છોટેમિયાં, પીયુસી કેન્દ્ર, કાનુડો, રાધા, પરી, ટપોરી, તલવારબાજી કરતી રાજપૂતાણી, પંડિત, જાદુગર, પ્રદૂષણ પીડિત ભાવિ નાગરિક જેવા અનેકવિધ પાત્રો પ્રસ્તુત કરીને પોતાની અનોખી સર્જનાત્મક્તાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે વાવોલ વિસ્તાર વિકાસ સમિતિના સભ્યોએ પણ શાલીન-૪ના વેશભૂષા કાર્યક્રમમાં મુલાકાત લીધી હતી.