સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે વિહારધામનું લોકાર્પણ અને તીર્થંકર જિનાલયનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી

સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે વિહારધામનું લોકાર્પણ અને તીર્થંકર જિનાલયનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી
Spread the love

મુખ્‍યમંત્રીશ્રીએ આજે સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું હતું કે, હિન્‍દુ-ધર્મ અને ભારતીય સંસ્‍કૃતિની સાથે સમયાંતરે ઉદ્દભવેલા અન્‍ય ધર્મો-પરંપરામાં માનવકલ્‍યાણની ભાવના જ સર્વોપરી રહી છે. મુખ્‍યમંત્રીશ્રીએ આજે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના લીંબડી-રાજકોટ હાઈવે ઉપર નિર્માણ પામેલ વિહારધામને ખુલ્‍લું મુકતા જણાવ્‍યું હતું કે, જીવ માત્રના કલ્‍યાણની ભાવના સાથે જોડાયેલ જૈન સમાજના સાધુ-સંતોના વિહાર દરમિયાન તેમને યોગ્‍ય વિસામો મળી રહે તે માટે નિર્માણ કરવામાં આવેલ આ વિહારધામ સાચા અર્થમાં સાધુ – સંતો માટે ઉપકારક બની રહેશે.

તેમણે જૈન સમાજમાં અનેક તીર્થંકરો ક્ષત્રિય હતા. તેમ જણાવી ઉમેર્યું હતુ કે, જૈન ધર્મમાં સાધુ ભગવંતોને ધર્મ જ્ઞાન અર્થે સતત વિહાર કરતા રહેવું પડે છે, તેવા સમયે લીંબડી-રાજકોટ હાઈવે જેવા સતત વિકસતા રાજમાર્ગ ઉપર સાધુ – સંતોના વિરામ માટે નિર્માણ કરવામાં આવેલ આ વિહારધામ માટે ક્ષત્રિય સમાજના શ્રેષ્‍ઠીજનોએ જે યોગદાન આપ્‍યું છે તે અભિનંદનીય છે.

સાધુ સંતોની સુવિધાઓ વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય સમયથી સાધુ સંતો માટે પગદંડીનો પ્રશ્ન હતો, પરંતુ રાજ્ય સરકાર દ્વારા પાલીતાણા થી વલ્લભીપુર અને અમદાવાદ થી શંખેશ્વર સુધી અંદાજે ૨૫૦ કિલોમીટરના રસ્તા ઉપર બનાવવામાં આવેલ પગદંડીનો પાઇલોટ પ્રોજેકટ ટૂંક સમયમાં કાર્યાન્‍વીત થશે. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધી અને મહાવીર સ્વામીના અહિંસક ગુજરાતમાં કીડીના કીડીયારાથી લઈને માનવ જીવ માટે ૧૦૮ ની સુવિધા જેવા જીવદયાના અસંખ્ય કામો થઈ રહ્યા છે. રાજ્ય સરકારે પશુઓ માટે સબસીડીમાં વધારો કરવાની સાથે પક્ષીઓ માટે કરુણા અભિયાન પણ હાથ ધર્યું છે.

ગુજરાતની ધર્મ પ્રેમી જનતાનો આભાર માનતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા સાધુ સંતોની સેવા માટે હંમેશા તત્પર રહે છે. આજે ભારતીય જીવન દર્શનની વાત દુનિયામાં પ્રસ્થાપિત થઈ છે. તેવા સમયે ધર્મના રક્ષણ માટે કાર્યરત સાધુ સંતોના રક્ષણની જવાબદારી સમાજે સ્વીકારી છે તે ખરેખર પ્રશંસનીય છે. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ભૂતકાળમાં ઘર્મ અને સંસ્‍કૃતિ માટે અનેક વિરોએ શહીદી વહોરી છે, જેના પરિણામે આજે આપણી ધર્મ-સંસ્‍કૃતિ ટકી છે. કેન્‍દ્ર સરકારે પણ દેશની એકતા – અખંડીતતા માટે નિષ્‍ઠાવાન પ્રયાસો હાથ ધર્યા હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ કેન્‍દ્ર સરકાર દ્વારા ૩૭૦ ની કલમ નાબુદી, ત્રિપલ તલાક દૂર કરવાના તેમજ CAA ના નિર્ણયનો ઉલ્‍લેખ કરી દેશની એકતા –અખંડીતતા  માટે કેન્‍દ્ર સરકાર કટીબધ્‍ધ હોવાનું જણાવ્‍યું હતું.

આ પ્રસંગે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જૈન સંપ્રદાય દ્વારા નિર્માણ કરવામાં આવેલ વિહારધામનું કાર્ય અન્‍યો માટે પ્રેરણારૂપ છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાતના પવિત્ર ધર્મસ્‍થાનો – યાત્રાધામો, આસ્‍થા સ્‍થાનકોનો વિકાસ થાય તેની ચિંતા કરી આવા સ્‍થાનકોમાં ભૌતિક સુવિધાઓ ઉપલબ્‍ધ બનાવી ધર્મસ્‍થાનકોમાં આવતા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કર્યો છે. તેમણે આ તકે રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગૌવંશ હત્‍યા, ગૌ માસના વેચાણને અટકાવવા માટે લેવાયેલ કડક પગલાંની સાથે રાજયમાં મુંગા-પશુ પક્ષી માટે કરૂણા અભિયાન અને કરૂણા એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ પણ  શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્‍તે ૪ દિક્ષાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતુ. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રીએ પોલીયો મૂક્ત ગુજરાત અંતર્ગત બાળકોને પોલીયોની રસીના ટીંપા પીવડાવ્‍યા હતા. આ તકે અવાડા ગ્રૃપ (સોલાર પાવર પ્રોજેકટ) દ્વારા સુજલામ – સુફલામ અભિયાન માટે મુખ્યમંત્રીશ્રીને રૂપિયા ૧૦ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી કે. રાજેશ, ચારણશ્રી આઈ પરંપરાના આઈશ્રી દેવલમાં, સાંસદશ્રી ડો. મહેન્‍દ્રભાઈ મુંજપરા, ધારાસભ્‍યશ્રી ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, સુરેન્‍દ્રનગર-દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વિપીનભાઈ ટોળીયા, અગ્રણી સર્વશ્રી વર્ષાબેન દોશી, દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા, અનિરૂધ્‍ધસિંહ પઢિયાર, વિશાલભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ દોશી, જશુભાઈ દોશી, ભરતભાઈ શાહ, ભૂપેન્‍દ્રભાઈ સંઘવી, ગીરીશભાઈ ગાંધી તથા મયુરભાઈ શાહ સહિતના સમાજના શ્રેષ્‍ઠીજનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્‍થિત રહયાં હતા.

રીપોટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!