શહેરના સયાજીબાગમાં ત્રિ-દિવસીય ‘દર્પણ’ બાળમેળાનો રંગારંગ પ્રારંભ

વડોદરા,
બાળકોમાં નેતૃત્વ, સર્જનાત્મકતા, સુષુપ્ત શક્તિઓ ખીલવવા અને અનૌપચારિક શિક્ષણનું માધ્યમ બની રહેલા ૪૮માં ‘દર્પણ’ બાળમેળાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં બાળ હોદ્દેદારોએ ખૂલ્લો મૂક્યો હતો.
શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળમેળાની આગવી પરંપરા મુજબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના મહાનુભવોએ મંચની બીજી હરોળમાં સ્થાન ગ્રહણ કર્યુ હતુ અને બાળમેળાના બાળ હોદ્દેદારોને પ્રથમ પંક્તિમાં બિરાજિત કરી તેમનું પુષ્પમાળાથી સ્વાગત કર્યુ હતુ. બાળમેળાના સમગ્ર ઉદ્ધઘાટન સમારોહનું સુચારું સંચાલન બાળ હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, એક તંદુરસ્ત સમાજના નિર્માણમાં શિક્ષકોની ખૂબ મહત્વની ભૂમિકા રહેલી છે. શિક્ષક ભાવિ પેઢીનું ઘડતરની સાથે સાથે સંસ્કૃતિ સંવર્ધન અને બાળકોમાં સંસ્કાર સિચંનનું મહત્વનું કાર્ય કરે છે તે બાળકોમાં અસાધરણ ક્ષમતા પેદા કરી શકવાની સાથે જ નીડરતા, પ્રમાણિકતા, ભલાઈ, દેશપ્રેમ જેવા ગુણો વિકસાવવાની માટે પ્રેરણાસ્ત્રોત છે. ત્યારે શિક્ષકની જવાબદારી વધી છે.
બાળકો શિક્ષકના આચાર-વિચાર અને વ્યવહારમાંથી ઘણું શીખતા હોય છે ત્યારે શિક્ષકો પણ મોબાઈલ, વ્યસનોથી દૂર રહી એક આદર્શતાનું ઉદાહરણ પૂરું પાડે તે જરૂરી બને છે. વધુમાં તેમણે ઉદાહરણ સાથે બાળકોને ભાઈચારા, પ્રેમ, અને સહકારથી રહેવા પ્રેરત કર્યા હતા. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે પોતાના અનુદાનમાંથી ૬૭ જેટલી સ્માર્ટ બાલવાડીના નિર્માણ માટે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સિમિતિના અધ્યક્ષ શ્રી દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે, આ વર્ષના બાળમેળાનું નામકરણ કરીને એક નવી શરૂઆત કરવામાં આવી છે. શિક્ષણ સિમિતના વિવિધ કાર્યો અને પ્રવૃત્તિમાં આ બાળમેળામાં પ્રતિબંબિત થઈ રહી છે. તેને અનુલક્ષીને આ બાળામેળાનું ‘દર્પણ’ નામકરણ કરવામાં આવ્યું છે. હવે આગામી દરેક બાળમેળાનું પણ નામકરણ કરવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમજ તેમણે આ ત્રિ-દિવસીય બાળમેળાનું શહેરીજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મેયર ડૉ. જિગીષાબેન શેઠે શિક્ષણની ગુણવત્તામાં ઉત્તરોત્તર થઈ રહેલા વધારા માટે શિક્ષણ સિમિતિના હોદ્દેદારો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. શેખ નમીરા અને માળી પ્રિયંકા, ઉદ્ધઘાટન કુ. રાજપૂત વંશિકા, સ્વાગત પ્રવચન બાળ પ્રમુખ ફણસે ઓમકરે, પ્રતિજ્ઞા વાચન પઠાણ તાહીર, સિદ્ધિદર્શક કહાર ભૂમિકા, સંદેશાવાચન સુરડકર વિભૂતિ આભારવિધિ બિસ્ટ બિમલાએ કરી હતી. આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ડૅ.મેયર જીવરાજભાઇ ચૌહાણ, ધારાસભ્ય સર્વશ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા, મનિષાબેન વકીલ, શાસકપક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી નલિનભાઇ ઠાકર, વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.