લીંબડી ખાતે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના નિયામકશ્રી એસ. જે. સોલંકીના અધ્યક્ષસ્થાને પોષણ અભિયાન કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લામાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અન્વયે લીંબડી ખાતે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના નિયામકશ્રી એસ.જે.સોલંકીની અધ્યક્ષતામાં પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નિયામકશ્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સહી પોષણ, દેશ રોશન અંતર્ગત સ્વસ્થ ગુજરાતનાં નિર્માણ માટે પોષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેને સફળ બનાવવા માટે આપણે સૌએ સહભાગીદારીથી યથોચિત યોગદાન આપવું પડશે.
વધુમાં તેમણે આ પોષણ અભિયાન અંતર્ગત અતિ કુપોષિત બાળકને નિશ્ચિત કરેલા સમય પહેલા કુપોષણમાંથી મુક્ત કરી રાજ્ય સરકારના કુપોષણ મુકત ગુજરાત અભિયાનને ચરિતાર્થ કરવા માટે પાલકદાતાઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બાળ તંદુરસ્તી હરિફાઈ, પોષણને લગતી ફિલ્મ નિદર્શન, પોષણ આરતી, અન્નપ્રાશન વિધિ, પોષણ અદાલત નાટક સહિતના વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેમજ કુપોષિત બાળકોને દત્તક લીધેલ પાલક દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. સ્ટેટ પ્રોગ્રામ ઓફીસરશ્રી આરતીબેન ઠક્કર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી.વાદી, સી.ડી.પી.ઓ.શ્રી છાયાબા ઝાલા, નગર પાલિકાના પ્રમુખશ્રી ધીરૂભાઈ ખાંદલા, અગ્રણી સર્વશ્રી બીપીનભાઈ પટેલ, મંજુલાબેન, ભગવતીબેન પંડયા, કિશોરસિંહ રાણા તથા આરોગ્ય તેમજ આંગણવાડી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)