સાબરકાંઠાના પોશીનામા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ હિનાબેન ગમારના જીવનમાં પાથર્યો પ્રકાશ

સાબરકાંઠાના પોશીનામા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ હિનાબેન ગમારના જીવનમાં પાથર્યો પ્રકાશ
Spread the love
  • બે કિ.મી દૂર ઘરે જઈ પ્રસુતિ કરાવ્યા બાદ માતા-નવજાતને ઝોળીમાં ઉચકીને એમ્બ્યુલન્સ સુધી અને બાદમાં આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડ્યા

રાજ્ય સરકારની તબીબી સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોચી છે જેનુ ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાનુ ગંછાલી ગામ બન્યું છે. અંતરિયાળ અને બહુધા આદિજાતિ વસ્તી ધરાવતા ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ હિનાબેન ગમારના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. ૧૦૮ના સ્ટાફે બે કિ.મી ચાલીને હિનાબેનના ઘરે જઈ સફળ પ્રસૂતિ કરાવી હતી. પોશીનાના ગંછાલી ગામના હિનાબેન ગમારને તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના બપોરે પ્રસૂતિની વેદના શરૂ થયી હતી. તેમના પતિ પ્રકાશભાઇ ગમારે તરત ૧૦૮ને ફોન કર્યો પરંતુ ગંછાલી ગામમાં જતા ૧૦૮ સ્ટાફના ઇ.એન.ટી પ્રકાશભાઇ પરમારને ખબર પડી કે તે એમ્બ્યુલન્સ સાથે દર્દીના ઘરે જઈ શકાય તેમ નથી. પ્રકાશભાઇ અને તેમના પાઇલોટ ધર્મેન્દ્રભાઇ મુનિયા જણાવે છે કે, તેઓ જરૂરી દાક્તરી સાધન સામગ્રી લઈને ડુંગરાળ ઉંચા-નીચા પથરાળ કાચા રસ્તે બે કિ.મી ચાલીને હિનાબેનના ઘરે પહોંચ્યા હતા.

ઘરે પહોંચી હિનાબેનની તપાસ કરતાં તેમની સ્થિતિ જોતા ઘરે જ તાત્કાલિક તેમની પ્રસૂતિ કરાવી પડે તેમ હતું. કારણ કે ઘર ગામથી દૂર ડુંગર વિસ્તારમાં હતુ, હિનાબેન પોતે એક ડગલુ ચાલી શકે તેમ ન હતુ અને ઉપરથી ડુંગરાળ ઉંચા-નીચા પથરાળ કાચા રસ્તે બે કિ.મી દૂર તેમને લઈ જતા ઘણો સમય નીકળી જાય તેમ હતુ. ઇ.એન.ટી પ્રકાશભાઇ પરમારને પરિસ્થિતિ જોઇ ત્વરીત નિર્ણય લેતા ઘરે જ હિનાબેનની સફળ પ્રસૂતિ કરાવી અને હિનાબેને એક પુત્રને જન્મ આપ્યો હતો. હિનાબેનની સફળ પ્રસુતિ કરાવ્યા બાદ માતા અને નવજાત શિશુને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાની વાત આવી હતી પરંતુ પ્રસુતા અને બાળકને બે કિ.મી. દૂર એમ્બ્યુલન્સ સુધી કેવી રીતે લઈ જવા એ મોટો પ્રશ્ન હતો.

આ સમયે ૧૦૮ના કર્મી ઇ.એન.ટી પ્રકાશભાઇ અને પાઇલોટ ધર્મેન્દ્રભાઇએ ખુબ જ ઉમદા અને માનવતાનુ કાર્ય કર્યું હતુ. પોતાની ફરજથી આગળ વધીને બંને કર્મી અને પ્રસુતાના પતિ પ્રકાશભાઇ ગમારે અને ગામના અન્ય યુવાને ઝોળી બનાવી અને ખરાબ રસ્તાનુ ધ્યાન રાખ રસ્તામાં આવતી નદી ઓળંગી બે કિ.મી. દૂર એમ્બ્યુલન્સ વાન સુધી ઉચકીને લઈ ગયા હતા. હાલ માતા-બાળક પોશીના આરોગ્ય કેન્દ્રમાં સ્વસ્થ્ય છે. રાજ્ય સરકારના છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચવાની વાતને ૧૦૮ના ઇ.એન.ટી પ્રકાશભાઇ અને ધર્મેન્દ્રભાઇ જેવા નિષ્ઠાવાન અને સેવાભાવી કર્મીઓ સિધ્ધ કરી બતાવી છે ત્યારે હિનાબેન અને તેમના પતિ પ્રકાશભાઇ ગમારે સરકાર અને ૧૦૮ કર્મીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!